માણાવદર, તા. 5 : માણાવદર ઇન્ડેન ગેસ એજન્સીમાં ગેરરીતિને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. સરકારી નિયમો મુજબ નવા ગેસ કનેક્શન મેળવવા પરના તમામ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હોવા છતાં સ્થાનિક એજન્સી દ્વારા ગ્રાહકોને ‘ઉપરથી બંધ છે’ તેવું બહાનું ધરીને નવા કનેક્શન આપવાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક
ગ્રાહકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ગેસ વિતરણ વ્યવસ્થામાં મોટી ગોલમાલ ચાલી
રહી છે. ગેસ સિલિન્ડરના વજનમાં પણ અનિયમિતતા હોવાની અનેક ફરિયાદો છે. તેમ છતાં તંત્ર
દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં એજન્સીના ગોડાઉન પરથી સીધા
બાટલા લેવા જતી વખતે પણ ગ્રાહકો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે.
સરકારી
નિયમોનું પાલન કરાવવાને બદલે એજન્સી પોતાની મનમાની ચલાવી રહી છે. નવા કનેક્શન ન આપવાથી
સરકારની આવકને પણ નુકસાન થઈ રહ્યું છે અને સામાન્ય જનતાને ગેરકાયદે રીતે ગેસના બાટલા
ખરીદવા મજબૂર થવું પડી રહ્યું છે. આમ જનતાની માગ છે કે, છેલ્લા બે મહિનામાં એજન્સી
દ્વારા કોને કેટલા કનેક્શન આપવામાં આવ્યા તેની પારદર્શક તપાસ થવી જોઈએ અને જવાબદાર
લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.