CSK
ઇલેવનમાં ધોનીની અને MI
ઇલેવનમાં રોહિતની વાપસીની સંભાવના
મુંબઈ,
તા.22 : આઇપીએલનો સૌથી વધુ ચર્ચિત ગણાતો મુકાબલો ગુરુવારે વાનખેડે સ્ટેડિયમ પર રમાશે.
2026 સીઝનમાં પહેલીવાર આઇપીએલની બે સૌથી વધુ સફળ ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ
ઇન્ડિયન્સ આમને-સામને હશે. બન્નેના નામે પ-પ ખિતાબ છે. ફૂટબોલ લીગમાં રિયલ મેડ્રિડ
અને બાર્સિલોનાની ટક્કરને સૌથી મોટી માનવામાં આવે છે. આથી તેને અલ-ક્લાસિકો કહેવામાં
આવે છે. આઇપીએલમાં મુંબઈ-ચેન્નાઇની ટક્કરને અલ-ક્લાસિકોનો દરજ્જો અપાયો છે.
ઉપરાઉપરી
ચાર હાર સહન કર્યા બાદ પાછલા મેચમાં તિલકની સદી અને બાદમાં બોલરોના ઉમદા દેખાવથી વિજયનો
સ્વાદ ચાખનાર મુંબઈ ઇન્ડિયન્સ સીએસકે વિરુદ્ધ તેનાં પ્રદર્શનમાં નિરંતરતા બનાવી રાખવાની
કોશિશ કરશે. એમઆઇ ઇલેવનમાં દિગ્ગજ રોહિત શર્માની વાપસી થઈ શકે છે. તો બીજી તરફ વર્તમાન
સીઝનમાં અપેક્ષાકૃત પ્રદર્શન ન કરી શકનાર સીએસકે ઇલેવનમાં લાંબા ઇંતઝાર બાદ મહાન ખેલાડી
મહેન્દ્રસિંહ ધોનીની વાપસીની સંભાવના વ્યક્ત થઈ રહી છે. બન્નેએ વાનખેડે સ્ટેડિયમ પર
ટીમનાં અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો. વર્તમાન સીઝનમાં એક પણ મેચ ન રમનાર ધોનીએ બેટિંગ
સાથે કિપિંગનો પણ ભરપૂર અભ્યાસ કર્યો હતો.
સીએસકે
માટે આયુષ મ્હાત્રેનું ટૂર્નામેન્ટની બહાર થવું મોટો ફટકો છે. આથી સીએસકે નવી રીતે
બેટિંગ રણનીતિ તૈયાર કરવી પડશે. ગુજરાતનો વિકેટકીપર-બેટર ઉર્વિલ પટેલ આયુષનાં સ્થાને
સામેલ થઈ શકે છે. સીએસકેને તેના પાછલા મેચમાં સનરાઇઝર્સ વિરુદ્ધ હાર મળી હતી. હવે મુંબઈ
સામે વિજયક્રમ પર વાપસી માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે. સરફરાઝ ખાન 147 રન કરી
ચૂક્યો છે, પણ સારી શરૂઆત પછી મોટી ઇનિંગ રમી શક્યો નથી. બ્રાવિસનું પણ આવું જ છે.
શિવમ દૂબેની નિષ્ફળતા સીએસકે માટે ચિંતાપ્રેરક બની છે.
બીજી
તરફ તિલક વર્માની ફોર્મ વાપસીથી મુંબઈને રાહત મળી છે. જો કે સૂર્યકુમાર અને કપ્તાન
હાર્દિક હજુ આઉટ ઓફ ટચ છે. બુમરાહ પાછલા મેચમાં 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અશ્વિની
કુમારે 4 વિકેટ ઝડપી બોલિંગ મોરચે થોડી ચિંતા હળવી કરી છે. ટ્રેંટ બોલ્ટ, દીપક ચહર
કે હાર્દિક પંડયા સતત સફળતા આપી રહ્યા નથી. ગુજરાત સામે પાંચમા ક્રમે બેટિંગમાં આવી
સદી કરનાર તિલક કદાચ વનડાઉનમાં આવી શકે છે. ઓલરાઉન્ડર વિલ જેક્સ ટીમમાં સામેલ થયો છે.
તેની વાપસીથી એમઆઇ ઇલેવનમાં બેલેન્સ આવી શકે છે.