• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવ્યો

નિર્ણયનો શ્રેય પાક.નાં અનુરોધને આપ્યો : ઈરાને કહ્યું, અમે યુદ્ધવિરામની કોઈ માગણી મૂકી નહોતી : શરીફ ટ્રમ્પની ઘોષણાથી ગદગદ

નવીદિલ્હી,તા.22: અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી બીજા તબક્કાની શાંતિ વાટાઘાટો ભલે ખેંચતાણનાં કારણે શક્ય ન બની હોય પણ આ તંગદિલી વચ્ચે પણ રાહતનાં એક સમાચાર આવ્યાં છે. યુદ્ધવિરામની અવધિ પૂર્ણ થવાનાં અમુક કલાક પહેલા જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને અનિશ્ચિત કાળ સુધી લંબાવવાની એકતરફી ઘોષણા કરી દીધી હતી. ટ્રમ્પે શુક્રવાર સુધીમાં ઈરાન સાથે વાટાઘાટો શક્ય હોવાનું કહ્યું હતું પણ ઈરાને આવી કોઈપણ સંભાવના નકારી દીધી હતી. આ સાથે જ અમેરિકાનાં યુદ્ધવિરામનાં એલાન બાદ પણ ઈરાને હોર્મુઝમાં વેપારી જહાજો ઉપર હુમલા કર્યા છે પણ ફરીથી જંગ શરૂ થઈ જવાનો ખતરો હાલ ટળી ગયો હોય તેવું લાગે છે.

અગાઉ જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામની અવધિ પૂરી થાય તેનાં અમુક કલાક પહેલા જ ટ્રમ્પે ફરીથી યુદ્ધવિરામની જાહેરાત એવા સમયે કરી હતી જ્યારે ઈરાને ઈસ્લામાબાદમાં વાટાઘાટનાં બીજા ચરણમાં જોડાવાનો ઈનકાર  કરી દીધો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર આની જાહેરાત કરતાં સ્પષ્ટ કર્યુ હતું કે, યુદ્ધવિરામ છતાં હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. તેમણે લખ્યું હતું કે, ઈરાનની સરકાર ખરાબ રીતે વિભાજિત થયેલી છે અને ઈરાનનાં કોઈ નેતા કે પ્રતિનિધિ સ્પષ્ટ પ્રસ્તાવ લઈને ન આવે ત્યાં સુધી હુમલા અટકાવી રાખવા માટે પાક.નાં ફીલ્ડ માર્શલ આસીમ મુનીર અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફનાં અનુરોધ ઉપર યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, વાટાઘાટ કોઈ નિષ્કર્ષ ઉપર ન પહોંચે ત્યાં સુધી યુદ્ધવિરામ અને નાકાબંધી જારી રાખવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.

અમેરિકાની આ જાહેરાત બાદ ઈરાનનાં નેતૃત્વ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા તો આપવામાં આવી નહોતી પણ તેની સેના રિવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું હતું કે, ઈરાન તરફથી કોઈ યુદ્ધવિરામની માગણી કરવામાં આવી નહોતી. આટલું જ નહીં, તેણે અમેરિકાની નાકાબંધીને બળપૂર્વક તોડી પાડવાની ધમકી પણ આપી હતી. તો ઈરાની સંસદનાં અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફે અમેરિકાનાં ઈરાદા સામે શંકા સેવતા કહ્યું હતું કે, આમાં પણ તેની કોઈ ચાલબાજી હોઈ શકે છે. યુદ્ધવિરામ અચાનક લંબાવીને તૈયારી માટે સમય કાઢવાનો ઈરાદો હોઈ શકે છે.

પાકિસ્તાને અમેરિકા અને ઈરાનને વાતચીતનાં ટેબલ ઉપર લાવવાનાં ભરપૂર પ્રયાસો કર્યા પણ તે વિફળ રહ્યાં છતાં ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાનો શ્રેય પાક.નાં અનુરોધને આપતાં શરીફે ગદગદ થઈને કહ્યું હતું કે, પોતાનાં અને ફીલ્ડ માર્શલ આસીમ મુનીર તરફથી તેઓ અનુરોધ સ્વીકારવા બદલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માને છે. અમે યુદ્ધવિરામ આગળ વધારવા માટે આગ્રહ કર્યો હતો, જેથી કૂટનીતિનાં પ્રયાસો ચાલુ રાખી શકાય.  પાકિસ્તાન આ ઝઘડાને વાતચીતથી ઉકેલવા પૂરા પ્રયાસો ચાલુ રાખશે.

ઇ-પેપરના નવા શુલ્ક