• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને અપહરણની ફરિયાદમાં હાઇ કોર્ટે મોટી રાહત આપી

હાઇ કોર્ટ દ્વારા લાલભા ગોહિલ વિરુદ્ધની ફરિયાદમાં પોલીસને પગલાં નહીં લેવા સાથે નોટિસ પાઠવી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22 : ગુજરાત હાઇ કોર્ટ દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહર સિંહ ગોહિલ ઉર્ફે લાલભા ગોહિલને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ મોટી રાહત આપવામાં આવી છે. ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ અપહરણની નોંધાયેલી ફરિયાદને ખોટી અને રાજકીય પ્રેરિત ગણાવી હાઇ કોર્ટે કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે.

ભાવનગરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ થયેલી ફરિયાદમાં પોલીસને કડક પગલાં ન લેવાની સૂચના હાઇ કોર્ટે આપી છે. સાથે જ હાઇ કોર્ટ દ્વારા નોટિસ ઇશ્યૂ કરી જવાબ આપવા જણાવાયું છે. નોંધનીય છે કે પોલીસ દ્વારા લાલભા ગોહિલ સામે કોંગ્રેસના જ ઉમેદવારના અપહરણના આરોપસર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં લાલભા દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં વકીલ હૃદયભાઈ બુચે ધારદાર દલીલો કરી હતી. લાલભા ગોહિલે ચુકાદા બાદ જણાવ્યું હતું કે, ફરિયાદ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ હતી. મારા જ પક્ષના કાર્યકરનું અપહરણ કરાયાની ફરિયાદ કરવામાં આવી હતી, મને ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું. 

ઇ-પેપરના નવા શુલ્ક