-આંતરરાષ્ટ્રીય યુદ્ધ કવાયતમાં કરશે પ્રયોગ : ચીનની ઊંઘ ઉડી
નવીદિલ્હી,
તા.21 : દુનિયાની સૌથી ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાં સામેલ ભારતની બ્રહ્મોસ હવે
ફિલિપીન્સની સૈન્ય શક્તિનું મુખ્ય પ્રતીક પણ બની ગઈ છે. ફિલિપીન્સ મરીન કોર્પ્સ આ વર્ષની
સૌથી મોટી સંયુક્ત સૈન્ય કવાયત બાલિકાતન- 2026માં પહેલી વાર આ ઘાતક એન્ટી-શિપ મિસાઇલ
સિસ્ટમનું પ્રદર્શન કરવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર
દરમિયાન
પાકિસ્તાનને ઘૂંટણીયે લાવનાર બ્રહ્મોસ હાલમાં ફિલિપીન્સના હથિયાર ભંડારમાં સૌથી શક્તિશાળી
અને ઘાતક હથિયાર તરીકે માનવામાં આવે છે. ફિલિપીન્સ
અને ચીન વચ્ચે દક્ષિણ ચીન સમુદ્રમાં સતત તનાવ ચાલતો રહે છે. બાલિકાતન જેવી મોટી આંતરરાષ્ટ્રીય
કવાયત દરમિયાન બ્રહ્મોસનું પ્રદર્શન ચીન જેવા વિરોધીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે ફિલિપીન્સના
તટીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરવી હવે સરળ નથી. બ્રહ્મોસની સેકડો કિલોમીટરથી વધુની મારક
ક્ષમતા ફિલિપીન્સને મજબૂત ડિટરન્સ પ્રદાન કરે છે. નોંધનીય છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં
આવેલા ટાપુઓને લઈને ફિલિપીન્સ અને ચીન વચ્ચે લાંબા સમયથી પ્રાદેશિક વિવાદ ચાલે છે,
જેના પરિપ્રેક્ષ્યમાં આ પગલું અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.