• બુધવાર, 22 એપ્રિલ, 2026

તળાજામાં સોની દંપતીના રહસ્યમય મૃત્યુમાં FSLએ તપાસ હાથ ધરી

તળાજા, તા.21: તળાજામાં જાણીતી પેઢી ‘જય ગોપાલ જ્વેલર્સ’ વેપારીની સળગેલી હાલતમાં લાશો તેમના જ ઘરમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં જે રીતે લાશો મળી છે તેને જોતા અનેક સવાલો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે દંપતીના શરીર પર આગથી વ્યાપક અસર થઈ છે, પરંતુ બાજુમાં જ પડેલું ઓશિકું, પથારીનો ઓછાડ કે મોબાઈલ ફોન આગથી સહેજ પણ પ્રભાવિત થયા નથી.

     ઘટનાની ગંભીરતા જોઈ એફ.એસ.એલ. અને પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે નોંધ્યું હતું કે આગ એટલી મર્યાદિત જગ્યામાં જ પ્રસરી હતી કે પથારીથી માત્ર પાંચ ફૂટ ઉપર રહેલી છત પર પણ ધુમાડાના ડાઘા જોવા મળ્યા નથી. આસપાસની દીવાલો કે ઘરના અન્ય સામાન પર આગ કે ધુમાડાની કોઈ અસર ન હોવાથી પોલીસ અને નિષ્ણાંતો પણ મુંઝવણમાં મુકાયા છે.

સમગ્ર સોની પરિવાર અને પ્રાંતમાં આ ઘટનાએ અનેક શંકા-કુશંકાઓ જન્માવી છે. સામાન્ય રીતે આગ લાગવાની ઘટનામાં ધુમાડો અને જ્વાળાઓ આસપાસની વસ્તુઓને નુકસાન પહોંચાડતી હોય છે, પરંતુ અહીં કશું જ અજુગતું ન સળગતા આ આત્મહત્યા છે કે અન્ય કોઈ અઘટિત બનાવ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ જ આ રહસ્યમય મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક