હોર્મુઝમાંથી
પસાર થતાં ત્રણ વેપારી જહાજ ઉપર ઈરાનનો હુમલો : બે જહાજ જપ્ત કરીને પોતાનાં તટે તાણી
ગયું
નવીદિલ્હી,તા.22:
અમેરિકાએ ઈરાન સામે યુદ્ધવિરામ લંબાવવાની ઘોષણા કરી દીધા બાદ પણ દુનિયાનાં સૌથી મહત્વનાં
સમુદ્રીમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે તનાવ વકરતો જાય છે અને આજે ફરી એકવાર આ ખાડીમાં
બારુદની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ઈરાની નૌસેનાએ આજે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી પસાર
થતાં ત્રણ વેપારી જહાજો ઉપર આડેધડ ગોળીબાર કર્યા હતાં અને બે જહાજને બાનમાં લઈ લીધા
હતાં. આમાંથી એક જહાજ તો ભારતમાં ગુજરાતનાં મુંદ્રા બંદર આવી રહ્યું હતું. ઈરાન અને
અમેરિકાએ જેને હવે નાકનો સવાલ બનાવી લીધી છે તેવી હોર્મુઝની નાકાબંધીનાં કારણે દુનિયામાં
ફરી એકવાર ઊર્જા સંકટનાં વાદળ ઘેરાઈ ગયા છે. ઈરાનની સરકારી ટીવી ચેનલનાં અહેવાલ અનુસાર
જે બે જહાજોને બંધક બનાવીને ઈરાન તરફ લઈ જવામાં આવ્યા હતાં તેમાં એક એમએસસી ફ્રાંકેસ્કા
અને એપામિનોડ્સનો સમાવેશ થાય છે. આમાંથી એમએસસી ફ્રાંકેસ્કા ઉપર પનામા અને એપામિનોડ્સ
ઉપર લાઈબેરિયાનો ઝંડો લાગેલો હતો. આ જહાજોનાં
ટ્રેકિંગ ડેટા અનુસાર ઈરાને જપ્ત કરી લીધેલા એપામિનોડ્સ ગુજરાતમાં મુંદ્રા બંદરે
આવી રહ્યું હતું. આ જહાજ દુબઈથી પોતાની યાત્રા શરૂ કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે
ઈરાની દળ આઈઆરજીસીએ તેનાં ઉપર હુમલો બોલાવ્યો હતો અને તેને કબ્જામાં લીધું હતું. આ
ઘટનાએ સમુદ્રી સુરક્ષા ઉપરાંત ભારત માટે પુરવઠાની ચિંતા પણ ઉભી કરી દીધી છે. એક સપ્તાહનાં
ગાળામાં જ બીજીવાર ભારત સંબંધિત જહાજ ઈરાનનાં નિશાને આવી જતાં ઈરાનનાં મનસૂબા સામે
પણ સવાલો ઉઠી રહ્યાં છે.
ઈરાની
નૌસેનાએ જારી કરેલા અધિકૃત નિવેદનમાં કહ્યું હતું કે, આ બન્ને જહાજ મંજૂરી વગર સંચાલિત
થતાં હતાં. તેની નેવિગેશન સિસ્ટમમાં હેરાફેરી કરવામાં આવી હતી. જેનાં હિસાબે સમુદ્રી
સુરક્ષા સામે ખતરો પેદા થયો હતો. આ બન્ને જહાજોને જપ્ત કરીને ઈરાની તટે લઈ જવામાં આવ્યા
છે. હવે બન્ને જહાજ ઈરાની જળસીમામાં છે અને તેનાં સમાન, દસ્તાવેજો અને સંબંધિત રેકોર્ડની
તપાસ ચાલી રહી છે.
ઈરાનનાં
મીડિયામાં કહેવામાં આવે છે કે, આ જહાજોએ સેનાની ચેતવણીઓને અવગણી હતી અને એટલા માટે
જ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બન્ને જહાજોને બાનમાં લઈ લીધા બાદ ત્રીજા
જહાજ યુફોરિયા ઉપર પણ ઈરાની નૌસેનાએ હુમલો કર્યો હતો અને તે હવે ઈરાની તટે જ ફસાયેલું
હોવાનું જાણવા મળે છે.