ન્યુઝીલેન્ડના બોલર્સ સામે ઇંગ્લેન્ડના બેટર્સની પરીક્ષા
કોલંબો,
તા.26 : પોતાના સ્પિનરોના સંગીન દેખાવથી પાછલા મેચમાં શ્રીલંકા સામે મોટી જીત મેળવનાર
ન્યુઝીલેન્ડ ટીમની નજર હવે સેમિ ફાઇનલની ટિકિટ બૂક કરવા પર છે. કિવિઝ ટીમ હવે શુક્રવારે
કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડના મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સારો દેખાવ
કરી સેમિ ફાઇનલની જગ્યા સુરક્ષિત કરવા માગશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમે તેના પહેલા બે
મેચ જીતી સેમિ ફાઇનલની સીટ બૂક કરી લીધી છે. તેના માટે પણ આ મેચ મહત્ત્વપૂર્ણ છે કારણ
કે સુપર-8 રાઉન્ડના ગ્રુપ-બેમાંથી ટોચમાં કઈ
ટીમ રહેશે તે આ મેચ પરથી નક્કી થશે.
શ્રીલંકા
સામેની 61 રનની જીતથી કિવિઝ ટીમ સેમિ ફાઇનલની નજીક પહોંચી ગઈ છે કારણ કે તેનો નેટ રન
રેટ પણ પાકિસ્તાનથી સારો છે. શ્રીલંકા ટીમ તો વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ચૂકી છે. કિવિઝ
ટીમે ધ્યાન એ રાખવાનું રહેશે કે ઇંગ્લેન્ડ સામે હાર મળે તો તેનું અંતર ઓછું રાખવું
પડશે.
હાલ
કિવિઝ ટીમના ખાતામાં 3 પોઇન્ટ છે અને નેટ રન રેટ પ્લસ 3.0પ0 છે. આ સામે પાકિસ્તાનના
ખાતામાં બે મેચ પછી 1 અંક છે અને તેનો રન રેટ માઇનસ 0.461 છે. પાક. ટીમની દુઆ એ હશે
કે ન્યુઝીલેન્ડ ટીમને ઇંગ્લેન્ડ સામે કારમી હાર મળે.
આ મેચમાં
કિવિઝ બોલર્સ અને ઇંગ્લેન્ડ બેટર્સ વચ્ચે સારી ટક્કર જોવા મળી શકે છે. કોલંબોની ધીમી
પીચ પર પ્રથમ દાવ લેનાર ટીમ 170 આસપાસના સ્કોર સુધી પહોંચવાની કોશિશ કરશે.