વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રનું સારું પ્રદર્શન : અનુમાન કરતા નોંધપાત્ર રહ્યા આંકડા
નવી
દિલ્હી, તા. 27 : અર્થવ્યવસ્થાના મુદ્દે એક સારા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા ત્રિમાસિક
ગાળામાં જીડીપીના આંકડા અનુમાન કરતા સારા રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક
ગાળા ઓક્ટોબર-ડિસેમ્બરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે. આ આંકડો બતાવે
છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
જીડીપીમાં શાનદાર તેજી પાછળ વિનિર્માણ, સેવા
અને રોકાણ ગતિવિધીમાં સુધારાને પ્રમુખ કારક માનવામાં આવે છે.
પુરા
નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારે નોમિનલ જીડીપી વૃદ્ધિ દર 8.6 ટકા રહેવાનું અનુમાન
વ્યક્ત કર્યું છે. નોમિનલ જીડીપીમાં મોંઘવારીનો પ્રભાવ પણ સામેલ હોય છે. આ માટે આ આંકડો
સરકારની રાજસ્વની સ્થિતિ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. આ દરમિયાન નાણા મંત્રાલયના
આંકડા અનુસાર એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં રાજકોષીય ખાધ પુરા વર્ષના સંશોધિત લક્ષ્ય
15.585 લાખ કરોડ રૂપિયાના 63 ટકાએ પહોંચી ચૂકી છે. સામાન્ય રીતે નાણાકીય વર્ષના આ તબક્કામાં
ખાધનું આટલું સ્તર સંતુલિત માનવામાં આવે છે. જેનાથી સંકેત મળે છે કે સરકાર વ્યય અને
આવક વચ્ચે સંતુલન રાખવાની કોશિશ કરી રહી છે.
આ પહેલા બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.6 ટકા નોંધાયો હતો
જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકાનો જીડીપી વૃદ્ધિ દર રહ્યો
હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.8 ટકા વિકાસ દર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું જ્યારે સરકારના
આર્થિક વિભાગે 7 ટકા આસપાસના વિકાસનું અનુમાન રાખ્યું હતું. ત્રીજા ત્રિમાસીક ગાળાનું
જીડીપી પરિણામ નાણાકીય વર્ષ 2022-23ને આધાર વર્ષ માનીને તૈયાર કરવામાં આવ્યું છે.