• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

રાજયની ઘણી પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ, જામનગર, અમરેલી, પોરંબદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમદાવાદ, પોરબંદરની કચેરીમાં ઇમેલ મળતા પોલીસ સહિતનું તંત્ર દોડી ગયું 

અરજદારો - કર્મચારીઓને બહાર કાઢી ખૂણેખૂણાની તપાસ બાદ કશું જ શંકાસ્પદ નહિ મળતા તંત્રને હાશકારો

રાજકોટ તા.27: ગુજરાતમાં સ્કૂલો બાદ હવે પાસપોર્ટ ઓફિસોને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોર્ડની પરીક્ષાનો ગઈકાલથી આરંભ થયો છે ત્યારે ફરી આવો ઈમેલ મળતાં ફફડાટ ફેલાયો છે. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુર સહિત રાજ્યની મોટાભાગની પાસપોર્ટ ઓફિસને આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ પોલીસ અને બોમ્બ  સ્કવોડની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

જામનગર : આજે સવારના સમયગાળા દરમિયાન ચાંદીબજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. જેને પગલે તંત્ર દોડતું થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જામનગર એલસીબી, એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ સહિતની ટીમ તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી ગઇ હતી. સુરક્ષાના ભાગરૂપે શહેરની પોસ્ટ ઓફિસમાં આવેલા અરજદારોને બહાર મોકલી પોસ્ટ ઓફિસ ખાલી કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરાઇ હતી.

અમરેલી : શહેરમાં ડો.જીવરાજ મહેતા ચોક નજીક આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મારફતે મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. અને સમગ્ર પોસ્ટ ઓફિસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાને પ્રાથમિકતા આપતાં કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.

પોરબંદર: પોસ્ટ ઓફિસની ઉપર આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. ઇમેઇલમાં સાઇનાઇટ ગેસ ભરેલા આરડીએકસ બોમ્બ બપોરે 12.30 મિનિચે પાસપોર્ટ ઓફિસમાં વિસ્ફોટ થશે, 11 વાગ્યા સુધીમાં બધાને ખાલી કરી દ્યો, આજે પવિત્ર શુક્રવાર છે ખરો જેહાદ ! જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વઢવાણ: પોસ્ટ ઓફિસને એક ઇમેલ દ્વારા ધમકી આપવામાં આવી કે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આમ અચાનક મળેલી ધમકીને પગલે પોસ્ટ ઓફિસ તેમ જ ત્યાં આવેલી પાસપોર્ટ  ઓફિસની પણ કામગીરી તુરંત બંધ કરી દેવામાં આવી હતી. મકીની જાણ થતા જ સુરેન્દ્રનગર પોલીસની વિવિધ બ્રાન્ચો એક્શનમાં આવી ગઈ હતી.

અમદાવાદ : મેમનગર વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઇલ મળ્યો હોવાનું જણાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધમકીભર્યો ઈ-મેઈલ મળતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા હતા અને તકેદારીના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.

સુરત: શહેરના પોશ વિસ્તાર પીપલોદ  વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને અગાઉની જેમ જ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ આવતા પોલીસ સહિત તંત્ર હરકતમાં આવી ગયું હતું. પોલીસ ગંભીરતાને ધ્યાને તુંરત તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને કાંઈ મળ્યું ન હતું.

જુનાગઢ: હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ વિભાગને બોમ્બથી ઉડાવી દેવાના મેઇલથી દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓ ભયના માર્યા બહાર નીકળી ગયા હતા. પોલીસે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ કરી હતી, પરંતુ કશું વાંધા જનક નહીં મળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

વેરાવળ: શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મારફતે ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. ધમકી ભર્યો ઈમેલ મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ. સુરક્ષા દૃષ્ટિએ પોસ્ટ ઓફિસ બિલ્ડિગ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

ભાવનગર: મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને સાઈનાઈડ ગેસ ભરેલા આરડીએકસ બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જેના પગલે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરાઈ હતી. આથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી.

રાજકોટ: પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજકોટની પોલિસ દોડતી થઈ હતી. ધમકીને પગલે શહેર પોલીસની એસઓજી, સ્થાનિક પોલીસ બોમ્બ સ્કવોર્ડ સાથે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ખાતે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.   કંટ્રોલરૂમને કોલ મળતા જ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, એમ.વી.જાડેજા સહીતની ટીમો, સ્થાનિક પોલીસની ટીમો પાસપોર્ટ ઓફિસ ખાતે દોડી ગઈ હતી. ચેકીંગમાં કશું જ વાંધાજનક નહિ મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

આ બધું એક ઈ-મેઇલ ફોરવર્ડ કરવાની ભૂલને કારણે થયું : ડીવાયએસપી

સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઇલથી શરૂ થયેલો સિલસિલો રાજ્યની 15થી વધુ પાસપોર્ટ ઓફિસો સુધી લંબાયો હતો. ભારે તણાવપૂર્ણ માહોલ વચ્ચે ગાંધીનગર ડીવાયએસપીએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ સ્થળે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી નથી. રાજ્યમાં ભયનો માહોલ સર્જાયો હતો જે હવે શાંત પડ્યો છે. આ બધું એક ઈ-મેઇલ ફોરવર્ડ કરવાની ભૂલને કારણે થયું હતું. સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ બાબતે નવસારી પાસપોર્ટ ઓફિસને જાણ કરવા માટે મેઇલ મોકલાયો હતો. બાદમાં અમદાવાદની હેડ બ્રાન્ચ ઓફિસ દ્વારા આ માહિતી રાજ્યની તમામ પોસ્ટ ઓફિસોને તકેદારીના ભાગરૂપે ફોરવર્ડ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કોઈ દીપક વાઢેર નામ અધિકારીથી થયેલી ભૂલના કારણે એવી ગેરસમજ ફેલાઈ કે દરેક જિલ્લાની કચેરીમાં મેઇલ આવ્યો છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક