નવી
દિલ્હી, તા. 9 : પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં સિલ્વર મેડ જીતનારા નિરજ ચોપડા સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. પીએમ મોદીએ નિરજને જીતના અભિનંદન પાઠવ્યા હતા.
જેનો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ આ દરમિયાન નિરજ ચોપડાને કહ્યું હતું કે મનમાંથી
ગોલ્ડ કાઢી નાખે, તે પોતે જ ગોલ્ડ છે. મોદીએ કહ્યું હતું કે તેણે દેશનું નામ રોશન કર્યું
છે. પૂરો દેશ મુકાબલો જોઈ રહ્યો હતો. આ દરમિયાન નિરજે મોદીને કહ્યું હતું કે જવું વિચાર્યું
હતું તે થઈ શક્યું નથી. લોકોને ગોલ્ડની આશા હતી. પૂરી મહેનત કરી પણ સફળતા નથી મળી.
સ્પર્ધા વધુ હતી તેમ છતાં મેડલ મળ્યો તેની ખુશી છે.
વડાપ્રધાને
નિરજને કહ્યું હતું કે, ઈજા છતાં તે સારું રમ્યો છે. જ્યારે નિરજે કહ્યું હતું કે આગામી
દિવસોમાં વધુ સ્પર્ધા આવી રહી છે અને વધુ મહેનત કરશે. વાતચીત દરમિયાન પીએમ મોદી સતત
નિરજને મોટિવેટ કરી રહ્યા હતા.વાતચીત વચ્ચે પીએમ મોદીએ નિરજના માતાની પણ પ્રશંસા કરી
હતી. હકીકતમાં નિરજના માતા સરોજ દેવીએ કહ્યું હતું કે તેઓ ખુબ જ ખુશ છે. સિલ્વર પણ
ગોલ્ડ જેવો લાગી રહ્યો છે. જે છોકરાને ગોલ્ડ મેડલ મળ્યો છે તે પણ અમારો જ છોકરો છે
અને ખુબ મહેનત કરે છે. પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમ માટે સરોજ દેવીએ જે વાત કરી તેનાથી
પીએમ ખુબ જ ખુશ હતા. મોદીએ કહ્યું હતું કે જે ખેલભાવના પરિવારે બતાવી છે, ગોલ્ડ જીતનારા
ખેલાડીની પ્રશંસા કરી છે તેના માટે શુભેચ્છા પાઠવવા માગે છે.