અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ટ્રમ્પે દુનિયાભરનાં દેશો ઉપર લાદેલા મનસ્વી ટેરિફ ગેરકાનૂની ગણાવીને છેદ ઉડાડયો : ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસને ધોબીપછાડ
નવી
દિલ્હી, તા.20: દુનિયાભરમાં આર્થિક અંધાધૂંધી સર્જી દેનાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે લાદેલા આડેધડ ટેરિફનો આખરે અમેરિકાની સુપ્રીમ કોર્ટે છેદ ઉડાડી દીધો છે. ટ્રમ્પે
મનસ્વી ઢબે લાદેલા ટેરિફને અમેરિકી સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની ગણાવી દીધા છે અને કહ્યું
હતું કે, ટ્રમ્પે દુનિયાનાં દેશો ઉપર એકતરફી ટેરિફ લાદીને સંઘીય કાયદાનું ઉલ્લંઘન કર્યું
છે. આમ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસને વિદેશનીતિ
અને આર્થિક મોરચે જડબેસલાક લપડાક પડી છે.
ટ્રમ્પે
લાદેલા ટેરિફ ઉપર 9 જજની પીઠે આપેલા ચુકાદામાં 6 ન્યાયધીશે ટેરિફને કાયદાથી પર ગણાવ્યો
હતો જ્યારે 3 જજે તેની તરફદારીમાં ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ જોહ્ન રોબર્ટ્સે બહુમત
અભિપ્રાયને માન્ય ઠરાવ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ પોતાની
પાસે આવા એકતરફી અને ચોક્કસ સમયમર્યાદા માટે ટેરિફ લાદવાનાં વિશેષ અધિકાર ધરાવે છે
પણ આનો વ્યાપ, ઈતિહાસ અને બંધારણીય સંદર્ભમાં જોઈએ તો આવા અધિકારનાં ભોગવટા માટે તેમને
કોંગ્રેસનલ એટલે કે સંસદીય માર્ગે અધિકૃત થવું જોઈએ. એટલે કે સંસદની મંજૂરી લેવી જોઈએ.
અદાલતના
કહેવા પ્રમાણે કાયદો રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાનો અધિકાર આપતું નથી. ચીફ જસ્ટિસ જોન
રોબર્ટસના 6-3ના ચુકાદામાં કોર્ટે નિચલી અદાલતના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો જેમાં કહેવામાં
આવ્યું હતું કે ટ્રમ્પે મોટાપાયે ઈમ્પોર્ટ ટેક્સ લાદવા માટે ઈન્ટરનેશનલ ઈમર્જેન્સી
ઈકોનોમિક પાવર્સ એક્ટ (આઈઈઈપીએ)નો ઉપયોગ કરીને
પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો હતો.
1977માં
બનેલો આ કાયદો પ્રેસિડેન્ટને નેશનલ ઈમર્જન્સી દરમિયાન કોમર્સને રેગ્યુલેટ કરવાની મંજૂરી
આપે છે પણ તેમાં ટેરિફનો સાફ શબ્દોમાં ઉલ્લેખ નથી. અમેરિકી સીજેએ ચૂકાદામાં લખ્યું
છે કે રાષ્ટ્રપતિએ ટેરિફ લાદવાની પોતાની ખાસ તાકાતના દાવાને યોગ્ય ઠેરવવા માટે ‘કોંગ્રેસને
મળેલી સાફ મંજૂરી બતાવવી પડશે’. અદાલતે આગળ એવી ટિપ્પણી પણ કરી હતી કે કોંગ્રેસ આવું
કરી શકશે નહી. અમેરિકી અદાલતના આ ચુકાદાએ ટ્રમ્પના બીજી ટર્મના આર્થિક એજન્ડાના એક
મહત્ત્વના હિસ્સાને કમજોર કરી દીધો છે.
હકીકતમાં
આઈઈઈપીએના કાયદાનો હેતુ એવો હતો કે જો દેશ ઉપર કોઈ ગંભીર જોખમ જેમ કે યુદ્ધ જેવી સ્થિતિ,
વિદેશી દુશ્મનથી મોટું આર્થિક જોખમ અથવા અસાધારણ આંતરરાષ્ટ્રીય સંકટ આવે તો રાષ્ટ્રપતિને
અમુક ખાસ શક્તિ આપી શકાય છે. આ શક્તિઓ હેઠળ રાષ્ટ્રપતિ વિદેશી લેવડદેવડ ઉપર રોક મુકી શકે છે, નિયંત્રીત કરી શકે છે અને અમુક આર્થિક નિર્ણયો
તાકીદે લાગુ કરી શકે છે. ટ્રમ્પે ટેરિફ લાદવા માટે આ આઈઈઈપીએના કાયદાનો જ ઉપયોગ કર્યો
હતો.