-179 રનનો વિજય લક્ષ્યાંક રસાકસી પછી 19.3 ઓવરમાં સર કરી રોચક જીત મેળવી
કોલંબો તા.19ઃ વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે ટીમ જાયન્ટ કીલર સાબિત થઇ રહી છે. ગ્રુપ બીના અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેએ વધુ એક અપસેટ સર્જીની ટૂર્નામેન્ટની સહયજમાન ટીમ શ્રીલંકાને હાર આપી છે. ઝિમ્બાબ્વેનો રસાકસી પછી અંતિમ ઓવરમાં 6 વિકેટે રોમાંચક વિજય થયો છે. આથી ઝિમ્બાબ્વે અપરાજિત રહી સુપર-8 રાઉન્ડમાં પ્રવેશી છે. તેના 4 મેચમાં 3 જીતથી 7 અંક છે. આયરલેન્ડ સામેનો મેચ વરસાદમાં ધોવાયો હતો. શ્રીલંકા ટીમ 6 અંક સાથે સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ઝિમ્બાબ્વે અગાઉ ઓસ્ટ્રેલિયાને આ વર્લ્ડ કપમાં હારનો સ્વાદ ચખાડી ચૂકયું છે.
179 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરી રહેલ ઝિમ્બાબ્વે તરફથી ઓપનર બ્રાયન બેનેટ 48 દડામાં 8 ચોક્કાથી 63 રને મેચ વિનિંગ ઇનિંગ રમી નોટઆઉટ રહ્યો હતો. તેના અને કપ્તાન સિકંદર રઝા વચ્ચે ત્રીજી વિકેટમાં 40 દડામાં 69 રનની નિર્ણાયક ભાગીદારી થઇ હતી. રઝા 19મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 26 દડામાં 2 ચોક્કા-4 છક્કાથી 4પ રન કર્યાં હતા. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ સિવાય ઓપનર મારૂમાનીએ ઉપયોગી 34 રન અને રાયન બર્લે 23 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ તેના ટી-20 ઇતિહાસનો બીજો સૌથી સફળ રન લક્ષ્યાંક સર કર્યોં હતો. 19.3 ઓવરમાં 4 વિકેટે 182 રન કરી જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી દુશાન હેમંતાને 2 વિકેટ મળી હતી.
અગાઉ શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યાં હતા. પાછલા મેચમાં સદી કરનાર પથૂમ નિસંકાએ 41 દડામાં 8 ચોક્કાથી 62 રન કર્યાં હતા. પવન રત્નાયકેએ 2પ દડામાં ઝડપી 44 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી મુજરાબાની અને ક્રેમરે 2-2 વિકેટ લીધી હતી.