• બુધવાર, 01 મે, 2024

પાક., ઓમાન, યુએઇમાં વરસાદથી તબાહી

નવી દિલ્હી, તા. 17 : સંયુક્ત આરબ અમીરાત ઓમાન બાદ હવે પાકિસ્તાનમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત છે. ભારે વરસાદ અને પૂરના કારણે ત્યાં 50 લોકોનાં મોત થયાં છે.

પાકિસ્તાન આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળનું કહેવું છે કે, 32 લોકો ગંભીર રીતે ઘાયલ છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. લોકોને હોસ્પિટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.

પાકિસ્તાન હવામાન વિભાગે 22 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. દક્ષિણના પ્રાંતો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તોફાન બલુચિસ્તાનમાં ભારે તબાહી મચાવી શકે છે. ખૈબર પખ્તુનખ્વાના ચિત્રાલ, દાર, સ્વાત, એબોટાબાદમાં વધુ નુકસાન થઈ શકે છે. આ સિવાય પાકિસ્તાનના અન્ય ઘણા પ્રાંતો માટે પણ પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી, દુબઈ અને અલ આઈન જેવાં શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે, ત્યાં આખાં વર્ષનો વરસાદ બે દિવસમાં પડી ગયો. આ શહેરોમાં ઓફિસો અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ખલીજ ટાઈમ્સે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ટાંકીને લોકોને કહ્યું હતું કે, જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી એરપોર્ટ પર ન આવે. ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઈટ ડાઇવર્ટ કરવામાં આવી છે.

લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. બહેરીન, કતાર અને સાઉદી અરેબિયામાં ભારે વરસાદને કારણે પણ સ્થિતિ ખરાબ છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોનાં મોત થયાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક