• મંગળવાર, 30 એપ્રિલ, 2024

‘સામૂહિક હિંસાને ધર્મથી ન જોડો’

લઘુમતીઓ વિરુદ્ધ ટોળાં દ્વારા કરાતી હિંસા અંગેની અરજીમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી, તા. 16 : દેશમાં બનતી સામૂહિક હિંસાને ધર્મ સાથે જોડી ન શકાય તેવી ટિપ્પણી નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન દ્વારા ગત વર્ષે કરાયેલી અરજીની સુનાવણી કરતાં દેશની સર્વોચ્ચ અદાલતે કરી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, અલ્પસંખ્યકો વિરુદ્ધ ટોળાં દ્વારા કરાતી હિંસાના વધતા મામલા અંગે ચિંતા વ્યક્ત કરી એનએફઆઈડબ્લ્યુએ કરેલી અરજીમાં પીડિત પરિવારોને વળતરની માંગ કરી હતી, જેની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે,  સામૂહિક હિંસાને ધર્મ સાથે જોડી ન શકાય સાથે જ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન અને બિહારમાં બનેલી ઘટનાઓના મામલે કરાયેલી કાર્યવાહી   અંગે 6 અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું હતું.

વધુમાં કોર્ટે કહ્યું કે, ગત વર્ષે 6 રાજ્ય પાસેથી જવાબ મગાયો હતો, પણ હજુ સુધી માત્ર મધ્યપ્રદેશ અને હરિયાણાએ જ આપ્યો છે. હવે પછીની સુનાવણી ઉનાળુ વેકેશન પછી યોજાશે તેમ પણ કોર્ટે ઉમેર્યું હતું. અરજીકર્તાએ જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ કરાયેલી અરજીમાં ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કરાયો નથી, જેની સામે કોર્ટે કહ્યું હતું કે, આવા મામલામાં ચોક્કસ બાબતો પ્રત્યે પક્ષપાતી બનવું જોઈએ નહીં, કેમ કે, આ મુદ્દો દેશના દરેક રાજ્યને સાંકળે છે.

એનએફઆઈડબ્લ્યુના વકીલ નિજામ પાશાએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશની હિંસામાં પીડિત વિરુદ્ધ ગૌહત્યાનો ગુનો દાખલ કરાયો હતો. જો રાજ્ય સરકાર સામૂહિક હિંસાને આવી રીતે નકારતી રહેશે તો 2018માં તહસીન પૂનાવાલા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનું પાલન કઈ રીતે થશે તેવો સવાલ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક