• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

દક્ષિણ આફ્રિકાનાં બે શહેરમાં બેફામ ગોળીબાર; 27 મૃત્યુ

બાર અને સ્ટોરમાં લાશોના ઢગલા

નવી દિલ્હી, તા. 27 ઃ દક્ષિણ આફ્રિકામાં ભયાનક અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. દેશના બે મુખ્ય શહેરો નજીક થયેલા આ ભીષણ હુમલાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલી ‘વેડેલા ટાઉનશિપ’ના એક બારમાં લોકો સંગીતના તાલ પર નૃત્ય કરી રહ્યા હતા અને ડ્રિંક્સ માણી રહ્યા હતા તે જ સમયે એકે-47 રાઇફલ અને પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રોથી સજ્જ અજ્ઞાત હુમલાખોરો ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીઓનો અવાજ ગુંજતાં જ લાશોના ઢગલા થઈ ગયેલા જોવા મળે છે.

બીજી લોહિયાળ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 1 વાગ્યે કેપટાઉન નજીક આવેલા ‘લવાંડલે’ વિસ્તારમાં બની હતી. અહીં એક સ્ટોર પર ત્રાટકેલા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયારિંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો પહેલાં જ પૂર્વ કિનારે આવેલા ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં સગર્ભા મહિલા સહિત 11 લોકોનાં મોત થયાં હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક