• શુક્રવાર, 03 જુલાઈ, 2026

એઆઈ કોર્ટને ગેરમાર્ગે દોરે તે અસહ્ય

            નકલી ચુકાદા મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, નિર્દેશો જારી કર્યા

નવી દિલ્હી, તા. 2 : સુપ્રીમ કોર્ટે કોર્ટ કાર્યવાહીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરાયેલા ખોટા અને બનાવટી ચુકાદાઓના ઉપયોગ પર ભારે નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટોએ યોગ્ય ચકાસણી વિના આવા એઆઈ-જનરેટેડ ચુકાદાઓ રજૂ કરવા અથવા ટાંકવા અંગે ‘શૂન્ય-સહિષ્ણુતા’ નીતિ અપનાવવી જોઈએ. વધુમાં, કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આ મુદ્દા પર નવી માર્ગદર્શિકા ઘડવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, જસ્ટિસ પીએ નરાસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બનેલી ખંડપીઠે એસેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સના નાદારી કેસમાં એનસીએલટી (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ) અને તેના આદેશોને રદ કરતી વખતે આ મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું.

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, જો કોઈ વકીલ યોગ્ય ચકાસણી વિના આવા ખોટા ચુકાદા ટાંકે છે, તો તેને ‘ગેરવર્તણૂક’ ગણવામાં આવશે. બેન્ચે જણાવ્યું હતું કે, જો કોઈ ન્યાયાધીશ ચુકાદો આપતી વખતે આવી નકલી અથવા બનાવટી એઆઈ-જનરેટેડ સામગ્રી પર આધાર રાખે છે, તો તે એક ગંભીર ભૂલ છે.

ન્યાયપીઠે સ્પષ્ટ કર્યું કે, એઆઈ દ્વારા નિર્મિત આવી બનાવટી સામગ્રી પર આધારિત કોઈપણ નિર્ણય કાયદાની દૃષ્ટિએ માન્ય ચુકાદો ગણાતો નથી. જો નિર્ણય લેવાની પ્રક્રિયામાં બનાવટી સામગ્રીનો નાનકડો અંશ પણ સામેલ હોય, તો પણ તે આદેશ રદ કરવો પડે.

સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આ મુદ્દાની તપાસ કરવા માટે તાત્કાલિક એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે બીસીઆઈને આ નવા પડકારનો સામનો કરવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો ઘડવા અને કોર્ટ સમક્ષ નકલી એઆઈ-જનરેટેડ સામગ્રીને કાનૂની ઉદાહરણ તરીકે રજૂ કરનારા વકીલો સામે શિસ્તભંગના પગલાં લેવા માટે નિયમો નક્કી કરવા જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક