સોરઠ જળબંબોળ ઃ માંગરોળ-કેશોદમાં 11 ઈંચ વરસાદ, રસ્તાઓ પર નદીઓ વહી, ખેતરો બેટમાં ફેરવાયા, નદી-નાળા છલકાતા અનેક ગામ સંપર્કવિહોણા
માંગરોળનો લંબોરા ડેમ ઓવરફલો, નોળી નદીમાં પૂર
માંગરોળને જુથળ, માળીયાથી જોડતો રસ્તો બંધ, માંગરોળ - કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે
પાણીનો
પ્રવાહ વધતાં વાહનવ્યવહાર ઠપ
કેશોદના ટીટોડી ગામે પાણીમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યૂ
રાજકોટ તા.2ઃ ગુજરાતમાં જૂન મહિનામા મોટાભાગે મેઘરાજાની પધરામણી થઇ જતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે અને જૂન મહિનો કોરો ગયો હતો ત્યારે જુલાઇ મહિનાના પ્રથમ દિવસથી જ જાણે કે જૂન મહિનામા રીસાયેલા મેઘરાજા રીઝવા લાગ્યા હોય એમ બે દિવસમાં ધમાકેદાર વરસી રહયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં
પ્રકૃતિના અણધાર્યા પ્રકોપ વચ્ચે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેમ માંગરોળ અને કેશૌદ પંથકમાં 11 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આકાશી આફતના કારણે પંથકની નદીઓ ગાંડીતૂર બની છે, રસ્તાઓ પર નદીની માફક પાણી વહી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે તેમજ નદીના પુર કોઝવે પર ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત પણ પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર સહિતના જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. એક તરફ કુદરતની આ મહેરથી ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર સફાળું જાગીને ‘એલર્ટ મોડ’ પર આવી ગયું છે.
જૂનાગઢ ઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી
મેઘરાજાએ મહેર સાથે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કેશોદ, માણાવદર, માળીયા અને માંગરોળમાં મેઘ તાંડવની માફક 10 થી
15 ઇંચ પાણી પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ ગાડીતૂર બની છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જિલ્લાના કેશોદ, માણાવદર, માંગરોળ અને માળિયા વિસ્તારને મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં
ધમરોળી નાખ્યા છે. આજ સવારથી સાંજ સુધીના વરસાદની વાત કરીએ તો કેશોદ માંગરોળમાં 11 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી -પાણી થઇ ગયું હતું અને માળિયા અને માણાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જુનાગઢ, વંથલી, મેંદરડા અને ગિરનારમાં ચાર, વિસાવદરમાં બે તથા ભેસાણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ મંગલ પ્રવેશ કરી શરૂઆતમાં જ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર સર્જી દીધો છે. કેશોદ , માંગરોળ, માળીયા અને માણાવદરમા ખેતરો પાણીથી તરબોળ થયા છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નીચાણ વાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. મોસમના પ્રથમ સંતોષકારક વરસાદથી સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે પરંતુ અવિરત વરસાદને કારણે વાવણી કાર્ય ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે જિલ્લાના કેશોદ, માંગરોળ, માળીયા અને માણાવદરમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામ વિખૂટા પડયા છે. કોઈક સ્થળે ખેતરોમાં ધોવાણ થયું છે પરંતુ કોઈ સ્થળે જાનહાનિ કે રેસ્ક્યુ કરવાની નોબત આવી ન હોવાનું જિલ્લા તંત્ર જણાવી રહ્યું છે. માંગરોળ તાલુકાના કારેજ ગામે ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાની ફરિયાદ મળી છે. આગામી 24 કલાક
દરમિયાન અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડ પર કરાયું છે.
કેશોદ પંથકમાં ગઈકાલે સાંજેથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહેતાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઈચ વરસાદ થતાં ખેડૂતો વેપારીઓ શહેરીજનોમાં ખુશી વ્યાપી ગઈ છે. શહેર મધ્યે પસાર થતી ઉતાવળીયા નદી અને ટીલોળી નદીમાં બે કાંઠે પુર આવી જતાં શહેરીજનો પુર જોવા નીકળી પડ્યા હતાં. ગાંધીનગર સોસાયટી પાસે આવેલા રેલ્વે ગરનાળામાં એક ફોર વ્હીલર કાર ફસાઈ જતાં સૌ લોકોએ એકઠાં થઈ ધક્કા મારી બહાર કાઢી હતી.
ટીટોડી ગામના વાડી વિસ્તારમાં દંપતિ ફસાયું હોવાની જાણ તંત્રને થતાં તાત્કાલિક બોટ સહિતની સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ કરવામાં આવ્યું હતું અને દંપતિને સલામત સ્થળે ખસેડાયું હતું.
વેરાવળ ઃ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત મેઘમહેરથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વેરાવળ-પ્રભાસપાટણ જોડિયા શહેરમાં પ્રથમ જ વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી છે. જોડીયા શહેરની મુખ્ય બજારો, દુઃખ દરિદ્ર ભંજન મંદિર, સુભાષ રોડ, ગાંધી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે પ્રભાસપાટણને જોડતા માર્ગ પર પણ પાણી ભરાતા યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં આજે સવારે છથી સાંજે છ વાગ્યા (બાર કલાકમાં) સુધીમાં સૂત્રાપાડામા 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ, કોડીનારમાં 3.5 ઈંચ,
તાલાલામાં 3 ઇંચ તથા ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
જામનગર ઃ જામજોધપુર પંથકમાં આજે સતત બીજા દિવસે મેધમહેર અવિરત રહેવા પામી છે. આજે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને માત્ર ચાર કલાકમાં જ સવા છ ઈંચ જેટલો વરસાદ પડયો છે. એપીએમસી યાર્ડમાં માલની આવક-જાવક વચ્ચે શરૂ થયેલા વરસાદના કારણે વેપારીઓએ માલ-સામાનને બચાવવા તાડપત્રી ઢાંકવાની કામગીરી શરૂ કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં તથા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સમાણા, દલ દેવડીયા અને સડોદર સહિતના અનેક ગામોમાં મેઘમહેર થઈ હતી.
ગોંડલ ઃ સતત બીજા દિવસે મેઘરાજાની મહેર થઇ હતી અને પોણો ઇંચ વરસાદ પડયો હતો.
જેતપુરઃ સવારથી સાંજ સુધીમાં 40 મીમી
ધીમીધારે વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જામકંડોરણા ઃ આજે બીજા દિવસે પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી અને આજે દવિસ દરમિયાન 18 મીમી
વરસાદ પડયો હતો.
ઢાંક ઃ આજે બપોરના અઢી વાગ્યા બાદ કડાકા ભડાકા સાથે તોફાની ઇનિંગ શરૂ થઇ હતી અને દોઢ કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
પ્રાચી ઃ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને પ્રથમ વરસાદ જ વાવણીલાયક વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
ઉપલેટા ઃ છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાની આસપાસના તાલુકા તેમજ ગામડા વિસ્તારમાં ક્યાંકને ક્યાંક વરસાદ વરસી રહ્યો હતો. એમની વચ્ચે ઉપલેટામાં પણ વરસાદી વાતાવરણ વચ્ચે ક્યારેક ક્યારેક અમી છાંટણા નોંધાયા હતા. બાદમાં આજે બપોરના કાયદેસર મોન્સુન સીસ્ટમ એક્ટિવ થતા 2થી 5 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ઇંચ જેવું પાણી વરસી પડ્યું હતું. ખેતરો તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
માંગરોળ ઃ ગતરાત્રીથી સતત પડી રહેલા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે દિવસ દરમ્યાન વધુ 10 ઈંચ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બંદર વિસ્તારમાં બે વૃક્ષો ધરાશયી થયા હતા. શહેરને જોડતા બે માર્ગો પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા સવારથી વાહન વ્યવહાર ઠપ છે. લંબોરા ડેમ ઓવરફ્લો થતાં નોળી નદીમાં પૂર આવ્યું છે. શહેરમાં અવિરતપણે વરસી રહેલા વરસાદથી જાહેર માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં મુશળધાર 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પરિણામે કામનાથ સોસાયટી, તિરૂપતિ નગર, ગાયત્રી નગર, સોલવાવ, સોલંકી સોસાયટી, મીઠીવાવ સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અમુક સોસાયટીઓમાં ન.પા. દ્વારા દિવાલ તોડી પાણીનો નિકાલ કરાયો હતો. દાનાતળ કોઝવે પર પાણીની ભારે આવકને લીધે માંગરોળને જુથળ, માળીયાથી જોડતો રસ્તો સવારથી બંધ છે. પરિણામે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. જયારે માંગરોળ - કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણીનો પ્રવાહ વધતાં વાહનવ્યવહાર ઠપ્પ છે. એસ.ટી.ની બસો વાયા ચોરવાડ, ગડુથી ડાયવર્ટ કરવામાં આવી છે. બે દિવસમાં 15 ઈંચ વરસાદ વરસતા કોરો ધાકોડ પંથક પાણી પાણી થઈ ગયો છે. ઉપરવાસમાં પણ સારા વરસાદથી પાણીની સમસ્યા એકઝાટકે ખતમ થઈ ગઈ છે. કુદરતે માંગ્યા નીર વરસાવતા ખેડુતોને હૈયે પણ ટાઢક વળી છે.
લોઢવા ઃ આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું અને છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે ગતરોજ પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું અને 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સાંજ સુધીમાં વધુ 5 ઇંચ વરસ્યો હતો. આ વરસાદની મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે.
ચોરવાડ ઃ આજે છ કલાકમાં છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં જ બે દિવસમાં કુલ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લાંગડી અને નોલી નદીમાં પહેલા વરસાદે જ પૂર આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા.
સાણથલી ઃ પ્લોટ વિસ્તારમાં ગત રાત્રે 11ઃ00 વાગ્યાની આસપાસ ટીસીમાં ધડાકા સાથે વીજપુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર ધવલભાઈ પરમારને ધ્યાનમાં આવતા તેઓ દ્વારા તુરંત કામગીરી કરી વીજપુરવઠો કાર્યરત કર્યો હતો.
બોટાદ ઃ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુરુવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે વાવણીલાયક વરસાદ થતાં ખેતીકારોમાં નવી આશા જાગી છે.
બાબરા ઃ છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા બાબરા પંથકના ખેડૂતો માટે ગુરુવારનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો હતો. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેર સહિત સમગ્ર તાલુકામાં અંદાજે એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
પોરબંદર ઃ જિલ્લામાં અડધાથી સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં દિવસ પર વરસાદી વાતાવરણ રહ્યું હતું. સૌથી વધુ વરસાદ કુતિયાણા તાલુકામાં વરસ્યો છે. કુતિયાણા શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં 131 મિલિમિટર
એટલે કે સવા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મહત્વની બાબત એ છે કે ચાર ઇંચ જેટલો વરસાદ તો માત્ર બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન વરસ્યો હતો અને હજુ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે કુતિયાણા શહેર તથા આજુબાજુના વિસ્તાર તેમજ ઘેડ વિસ્તારમાં વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.
રાણાવાવ ખાતે પણ 12 કલાકમાં
સવા ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેર તથા તેની આજુબાજુના વિસ્તારમાં દિવસ પર ઝાપટા પડ્યા હતા અને સાંજ સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદી માહોલ વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમ ખડેપગે રહી વરસાદી પાણીના ઝડપી નિકાલ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાને કાર્યરત રાખવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરી રહી છે.
કોટડાપીઠા ઃ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આજે બપોરે એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા પાણી ભરાયા હતા.
માધવપુર ઘેડઃ આજે વહેલી સવારથી સાંજ સુધીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી.
દીવ ઃ ગત રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ સાંજ સુધીમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. પરંતુ આટલા વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
તાલાલા ગીર ઃ પંથકમાં બીજા દિવસે પણ સવારથી મેઘરાજાએ પધરામણી કરી હતી. દિવસ દરમ્યાન મેઘરાજા મનમુકીને વરસતા સાંજ સુધીમાં શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં ઓછો છે. બે દિવસના વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેરમાં ત્રણ ઈંચ વરસાદથી નગરના મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા.
ધોરાજીઃ આજરોજ બપોરે એક વાગે ધીમીધારે વરસાદનો પ્રારંભ થતાં સાંજના છ વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે. સતત બીજા દિવસે વરસાદનું પ્રમાણ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અનેક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કરી દીધું છે.
મોટી પાનેલી ઃ આજે બપોર ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ ત્યાર બાદ રફતાર પકડતા સાંજ સુધીમાં 5 ઇંચ વરસાદ પડયો હતો અને તળાવમાં 10 ફૂટ નવા નીરની આવક થઇ છે.
અમરેલી ઃ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા શહેર અને પંથકમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. લાઠી શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના ભુરખિયા, ધામેલ, મેમદા અને હજીરાધાર ગામોમાં અનરાધાર વરસાદ વરસતાં સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. વડીયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા. અમરેલી શહેરમાં પણ બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
લીલીયા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
બગસરા પંથકમાં પણ મેઘસવારી પહોંચી હતી. ધારી ગીર પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લમાં ફલડ કંટ્રોલ રૂમમાં આજે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન કુંકાવાવ વડિયા 66 મી.મી., બાબરા 10 મી.મી., લીલીયા 45 મી.મી., અમરેલી 6 મી.મી., બગસરા 24 મી.મી., ધારી 8 મી.મી., સાવરકુંડલા 2 મી.મી., જાફરાબાદ 16 મી.મી., તથા રાજુલામાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.
ગઢડા ઃ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોરે વરસાદ વરસવાનું શરૂ થતાં ચાર કલાકમાં બે ઈંચ વરસી ગયો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
કુકસવાડા ઃ માળીયા હાટીના તાલુકાના કુકસવાડા પંથકમાં બે દિવસમાં જ 5 થી 6 ઈંચ વરસાદ વરસી જતાં લોકોમાં અને ખાસ કરીને જગતાતમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ઉમરાળા ઃ આજે બપોરે જોરદાર ઝાપટાથી શરૂ થયેલી મેઘકૃપાથી સાંજ સુધીમાં દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
વડીયા ઃ વડિયા વિસ્તારમાં બે દિવસથી બપોર બાદ મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે અને કુલ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
માળિયાહાટીના ઃ માળિયાહાટીનામાં આજે સવારના 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 12 કલાકમાં
7 ઈંચ (179 મી.મી) વરસાદ પડÎો છે.
ડોળાસા ઃ ડોળાસા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયાં હતાં પરંતુ આજે વહેલી સવારથી જ વરસાદ સતત ચાલુ રહેતા ગ્રામજનો તેમજ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંજે 6.30 વાગ્યા
સુધીમાં 40 મી.મી વરસાદ નોંધાયો હતો.
ભાવનગર ઃ ભાવનગર શહેરમાં આજે બપોર સુધી 7 મી.મી. ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના ઉમરાળામાં સાંજ સુધીમાં સવા ઈંચ, ઘોઘામાં પોણો ઈચ તેમજ મહુવામાં બપોરે અડધો ઈંચ તેમજ વલ્લભીપુરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે.
સુત્રાપાડા ઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સવારે 4 વાગ્યાથી સાંજ સુધીમાં આશરે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર શહેર અને તાલુકામાં પાણી-પાણી થઈ ગયું હતું. સતત વરસેલા વરસાદના કારણે તાલુકાના ચેકડેમો, તળાવો અને કુદરતી જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી.
કાલાવડ ઃ કાલાવડ તાલુકામાં આશરે 3 ઈંચથી વધારે વરસાદ પડતા ખેડૂતો, પશુપાલકોને રાહત થઈ છે. વજીર ખાખરિયાના ખેડૂત અગ્રણી ભવાનભાઈ મેંદપરાના જણાવ્યાનુસાર વજીર ખાખરિયા, અરલા, છત્તર, નાના-મોટા પાંચ દળવા વગેરેમાં સારા વરસાદથી ખેતરો અને નદીનાળામાં પાણી વહેવા લાગ્યાં હતાં. વરસાદે શુકન સાચવી લીધાનું જણાવતા હવે વાવણીના શ્રીગણેશ આ વિસ્તારમાં થશે તેમ ઉમેર્યુ હતું.
કોડીનાર ઃ કોડીનાર શહેર અને તાલુકાના ગામડાઓમાં ગત રાત્રીથી ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે. ગત રાત્રે દોઢ વાગ્યાથી લઈને આજે સાંજ સુધીમાં 97 મી.મી. જેટલો વરસાદ પડી ગયો છે.
વીરપુર ઃ વીરપુર વિસ્તારમાં વાવણીલાયક વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા કૃષિ કામગીરીને વેગ મળશે તેવી શક્યતા છે. બીજી તરફ વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે.
સુરત ઃ વલસાડ, વાપી, નવસારી, સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત રહી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની વકી છે. વલસાડમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડમાં ઔરંગા, પાર, કોલક નદીના જળસ્તરમાં વધારો થયો છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાપીમાં રેલ્વે અંડરપાસમાં ભારે પાણી ભરાયા હતા. જેના કારણે ઔદ્યોગિક એકમોમાં કામદારોને પહોંચવામાં સમય લાગ્યો હતો. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ વલસાડમાં મોટાબજાર સ્થિત ઐતિહાસિક માણેક શા લાયબ્રેરી અને બીજી એક નિર્માણાધીન ઇમારતની કંપાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી. આજે નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ રહી હતી. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના 13 જેટલા
રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરવા પડ્યા છે. સરોણા-સદરપુર રોડ, ખડસુપા-ઉન માર્ગ, પારડી-સદલાવ રોડ, સુપા-પેરા રોડનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના આજે સવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી નોંધાયેલા વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના ઓલપાડમાં 94, માંગરોળમાં
38 મીમી, ઉમરપાડામાં 27 મીમી,
માંડવીમાં 01 મીમી,
કામરેજમાં 12 મીમી,
ચોર્યાસીમાં 06 મીમી,
પલસાણા 16 મીમી,
બારડોલીમાં 15 મીમી
અને સુરત સિટીમાં 06 મીમી
વરસાદ નોંધાયો છે.
------------------
ગુજરાત પર ‘વેધર ચક્રવ્યૂહ’, 5 સિસ્ટમ એકસાથે ત્રાટકશે
અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા ધોધમાર ઇનિંગ રમશે; 6 જુલાઈ
સુધી આકાશી આફત
અમદાવાદ, તા. 2ઃ આખો જૂન મહિનો કોરોધાકોડ કાઢ્યા બાદ આખરે જુલાઈની શરૂઆત થતાં જ મેઘરાજા ગુજરાત પર રીઝ્યા છે. મેઘરાજાએ હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર પોતાની ખાસ કૃપા ઉતારી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્ય માટે આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત પર એકસાથે 5 શક્તિશાળી વેધર સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ આશંકા છે. તંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરો માટે એલર્ટ જારી કર્યું છે. જેમાં 3 જુલાઈના રોજ રાજ્યના 19 જિલ્લાઓમાં
ભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ તેમજ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જારી કરાયું છે. જયારે 4 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને ભાવનગરમાં રેડ એલર્ટ રહેશે. ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક
અમદાવાદ અને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારો માટે ભારે થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજા મન મૂકીને તોફાની બાટિંગ કરે તેવી પૂરી સંભાવના છે. 6 જુલાઈ
સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર અને તોફાની સ્વરૂપ જોવા મળી શકે છે. ખરેખર, દક્ષિણ ગુજરાત માટે આ દિવસો આફતરૂપી અતિભારે વરસાદના બની રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.