બે લેનના હાઈવેને ચાર લેન કરવાની કામગીરી દરમિયાન ટોલ ટેક્સ માત્ર 30 ટકા જ ચુકવવો પડશે
નવી દિલ્હી, તા. 25 : રાષ્ટ્રીય
રાજમાર્ગ ઉપર સફર કરતા યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ટોલ ટેક્સ સંબંધિત
નિયમો બદલ્યા છે. જેના હેઠળ હવે 70 ટકા સુધીની છુટ મળી શકશે. એનએચઆઈના નવા નિયમ અનુસાર
બે લેનના રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણ દરમિયાન ટોલ ટેક્સમાં 70 ટકા છૂટ આપવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે. સડક યાત્રી ટોલ ટેક્સના માત્ર 30 ટકા ચુકવણી કરશે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ, 2008માં મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે.
આ નિયમ હેઠળ બે લેન ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગને ચાર લેન અથવા તેનાથી વધારે પહોળો કરવા
દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી પુરો ટોલ લેવામાં આવશે નહી. તેમાં 70 ટકાની
છુટ આપવામાં આવી છે.
સંશોધિત નિયમો અનુસાર નિર્માણ
કાર્ય શરૂ થવાની તારીખથી પરિયોજના પુરી થવા સુધીમાં સડક યાત્રીઓએ કુલ ટોલના માત્ર
30 ટકા ભરવા લડશે. એટલે કે નિર્માણ દરમિયાન યાત્રીઓને 70 ટકાની રાહત મળશે. એનએચએઆઈ
દર વર્ષે ટોલ ટેક્સમાં 10 ટકાનો વધારો કરે છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આ
સંશોધન નવા વર્ષથી લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આ મામલે જાહેરનામું બહાર પાડી દીધું
છે.
નવા નિયમ અુસાર રાજમાર્ગ ઉપર
ચાર લેનથી છ અથવા આઠ લેન બનવાની કામગીરી દરમિયાન 25 ટકાની છૂટ આપવામાં આવશે. એટલે કે
વાહન યાત્રીઓએ 75 ટકા ટોલ ટેક્સની ચુકવણી કરવી પડશે. આ ઉપરાંત ટોલ રોડની પડતર પુરી
થવા ઉપર ટેક્સ માત્ર 40 ટકા લેવાનો નિયમ પહેલાથી
જ છે.