• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

વાંકાનેરના માટેલ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતાં આધેડનું મૃત્યુ

વાંકાનેરના આઘેડ દર્શન કરી બાઇક પર ઘરે જતા હતા

 

મોરબી, તા.25: માટેલ ઢુવા રોડ પર આધેડ પોતાનું બાઇક લઈને જતાં હતાં ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક આઘેડને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું હતું અને અકસ્માત બાદ પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો.

વાંકાનેરના નવાપરા પંચાસરા રોડ શેરી નં.1 માં રહેતા શ્રવણભાઇ ઉર્ફે ગટુ મનીષભાઇ વીંઝવાડિયા (ઉં.વ. 20)એ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.24ના રોજ ફરિયાદી ઘરે જતો હતો અને રસ્તામાં ફઈના દીકરા ભાવિનભાઈનો ફોન આવ્યો હતો અને વાત કરી કે તારા પિતાજી મોટર સાઇકલ લઈને જતા હતા અને સામેથી આવતા ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં પિતાને ઇજા થઈ હોવાની જાણ કરી હતી.

જાણ થતા ફરિયાદી તુરત જ બનાવ સ્થળે દોડી ગયો હતો  ત્યાં તેના પિતાનું બાઇક પડેલું જોવા મળ્યું હતું. બાદ તે હોસ્પિટલે જતાં તેના પિતા મનીષભાઈ વીંઝવાડિયા (ઉં.વ.42)નું મૃત્યુ નીપજ્યું જાહેર કરાયું હતું. ફરિયાદીના પિતા માટેલ માતાજીના દર્શન કરી પરત ઘરે આવતી વખતે અકસ્માત સર્જાયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક