• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

એક જ વર્ષમાં ચીન કેનેડાને ખાઈ જશે : ટ્રમ્પ

ગ્રીનલેન્ડ ઉપર ગોલ્ડન ડોમ બનાવવાની યોજનાનો કેનેડાએ વિરોધ કર્યાનો ટ્રમ્પનો આરોપ

નવી દિલ્હી, તા. 24 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ ઉપર ફરી એક વખત પાડોશી દેશ કેનેડા સામે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે કેનેડા સરકાર ઉપર આરોપ મૂક્યો હતો કે તે ગ્રીનલેન્ડ ઉપર પ્રસ્તાવિત વિશાળ મિસાઇલ  પ્રણાલીનો વિરોધ કરી રહ્યું છે જ્યારે આ મિસાઇલ પ્રણાલી કેનેડાની સુરક્ષા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીન એક જ વર્ષમાં કેનેડાને ખાઈ જશે.

ટ્રમ્પ પ્રશાસન ગ્રીનલેન્ડ ઉપર વિશાળ મિસાઇલ ડિફેન્સ શિલ્ડ બનાવવા માગે છે. જેને ગોલ્ડન ડોમ નામ આપવામાં આવ્યું છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે આ પ્રણાલી અમેરિકાની સાથે કેનેડાની પણ રક્ષા કરશે. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે કેનેડાની સરકાર આ યોજનાના વિરોધમાં છે. કેનેડાએ ચીન સાથે વ્યાપાર કરવાના પક્ષમાં મતદાન કર્યું છે. ચીન પહેલા જ વર્ષમાં કેનેડાને ખાઈ જશે.

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના પીએમ માર્ક કાર્નીએ બીજિંગનો પ્રવાસ કર્યો હતો અને ચીન સાથેના સંબંધોને ફરીથી જીવંત કરવા પ્રયાસ કર્યો હતો. ચીન અમેરિકા બાદ કેનેડાનો બીજો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ છે. આ યાત્રામાં કૃષિ ઉત્પાદન ઉપર શુલ્ક ઘટાડવા, ઈવી ઉપર કોટા નિર્ધારિત કરવા સહિતના મુદ્દે સહમતી બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક