• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

જેતપુરમાં મકાનમાંથી રૂા.24 હજારના ગાંજા સાથે મહિલા પકડાઈ પોલીસે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

જેતપુર, તા.24: રાજકોટ જિલ્લામાં નશાખોરીના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે જેતપુરમાં ધોળા દિવસે રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતી એક મહિલાને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. શહેરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 488 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહિલાને દબોચી લીધી હતી.

જેતપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભોજાધાર, મહાકાલી ચોક વિસ્તારમાં એક મહિલા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મકાન પર દરોડો પાડયો હતો. પોલીસની તપાસ દરમિયાન આરોપી માકી ઉર્ફે મનિષા ભરતભાઈ જાડેજાના મકાનમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. ખરાઈ કરવા માટે પોલીસે તાત્કાલિક ફોરેન્સિક વાન (એફએસએલ) બોલાવી સ્થળ પર જ તપાસ કરાવતા આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી મહિલા પાસેથી કુલ 488.52 ગ્રામ ગાંજો (કિંમત રૂ. 24,426) જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે ચૂંટણી કાર્ડ, લાઈટબીલ અને વેરા પહોંચ જેવા દસ્તાવેજો પણ કબ્જે કર્યા હતા. આ મામલે જેતપુર સીટી પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક