કોંગ્રેસ સાંસદનો ગંભીર આરોપ, ભાજપે ગણાવ્યું વિભાજનકારી-દ્વેષપૂર્ણ
નવી
દિલ્હી, તા.ર : કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મંગળવારે
સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે સૈન્ય પર કેન્દ્ર સરકારની
તરફેણમાં બોલવાનું દબાણ છે. તેમણે આને અત્યંત ભયાનક ગણાવ્યું હતું. કોંગ્રેસ સાંસદે
ગંભીર આરોપ લગાવતા ભાજપના પ્રવક્તા સીઆર કેશવને નિવેદનનો સખત વાંધો ઉઠાવ્યો અને તેને
વિભાજનકારી અને દ્વેષપૂર્ણ ગણાવ્યું હતું.
રેણુકા
ચૌધરીએ કહ્યું હતું કે સૌથી ભયાનક પરિસ્થિતિ એ છે કે લશ્કરી કર્મચારીઓ બહાર આવી રહ્યા
છે અને મીડિયાને નિવેદનો આપી રહ્યા છે. તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. લશ્કરી કર્મચારીઓને
સરકારના સમર્થનમાં આવા નિવેદનો આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ ખતરનાક
છે. કેશવને કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સેના વિરોધી માનસિકતા ધરાવે
છે, તેઓ સતત આપણા સશસ્ત્ર દળોની ટીકા કરે છે. આ લોકોએ અગાઉ આર્મી ચીફ વિશે શેરી ગુંડા
જેવી ટિપ્પણીઓ કરી છે.