કોલકાતા, તા. 1 : બંગાળના નદિયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે શનિવારે રાત્રે બંગલાદેશી તસકરો અને બીએસએફના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. બંગલાદેશી તસ્કરોએ બીએસએફના જવાનો ઉપર જીવલેણ હુમલો કરીને તસકરીનો પ્રયાસ કર્યો હતો. જેને બીએસએફ દ્વારા વિફળ કરવામાં આવ્યો હતો. બીએસએફ દ્વારા કરવામાં આવેલા વળતા પ્રહારમાં એક બંગલાદેશી તસકર ઢેર થયો હતો. બીએસએફના દક્ષિણ બંગાળના ફ્રન્ટિયરના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ બનાવ 32મી વાહિની સીમા ચોકી મતિયારી વિસ્તારમાં બન્યો હતો. બીએસએફ દ્વારા તાકીદે પ્રતિક્રિયા આપી આત્મરક્ષા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં એક બંગલાદેશી તસ્કર ઠાર થયો હતો. જ્યારે અન્ય તસકરો બંગલાદેશ તરફ નાસી છુટયા હતા. તપાસમાં સ્થળ ઉપરથી એક કટર, ચાર ધારદાર હથિયાર, પ્રતિબંધિત કફ સિરપની 96 બોટલ અને બે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.