મુંબઈમાં આયોજિત એક વ્યાખ્યાનમાં
વિદેશ મંત્રીનું સંબોધન : પાકિસ્તાન ઉપર પ્રહાર
નવી દિલ્હી, તા. 18 : મુંબઈમાં
આયોજિત 19મા નાની એપી પાલખીવાલા સ્મૃતિ વ્યાખ્યાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન
ઉપર આકરો પ્રહાર કર્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવું કેન્સર છે જે
પોતે પોતાના સમાજને નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન
આપવાની નીતિઓ હવે તેના પોતાના જ રાજનીતિક તંત્રને પણ પ્રભાવિત કરી રહી છે.
જયશંકરે પોતાનાં સંબોધનમાં કહ્યું
હતું કે, પાકિસ્તાન ભારતના પાડોશમાં એક અપવાદ છે. તેની આતંકવાદને સમર્થન આપવાની નીતિઓ
હવે તેના પોતાના માટે ઘાતક બની ચૂકી છે. પૂરા ઉપમહાદ્વીપમાં બધાની ઈચ્છા છે કે પાકિસ્તાન
પોતાના વિચારોને બદલે. તેમણે ભારતને વિશ્વબંધુ એટલે કે સૌનું મિત્ર અને વૈશ્વિક મંચ
ઉપર ભરોસામંદ ભાગીદાર ગણાવ્યું હતું. ભારતની કૂટનીતિનો હેતુ વધુમાં વધુ મિત્રતા કરવાનો
અને સમસ્યા ઘટાડવાનો છે. જો કે આ તમામ પ્રક્રિયા રાષ્ટ્રીય હિતને ધ્યાને લઈને કરવામાં
આવે છે.
જયશંકરે વ્યાખ્યાનમાં ક્ષેત્રીય
અને મધ્યમ શક્તિ ધરાવતા દેશોની સાથે સંબંધ મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું
હતું કે આ પરિસ્થિતિ ભારતના રાજદ્વારી પ્રોફાઇલને વિસ્તારિત કરવામાં મદદગાર સાબિત થઈ
છે. જયશંકરે ભારતની કૂટનીતિને ત્રણ શબ્દોમાં પરિભાષિત કરી હતી. પરસ્પર સમ્માન, પરસ્પર
સંવેદનશીલતા અને પરસ્પરનાં હિત.