• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

તાલિબાની રક્ષામંત્રી અને ભારતીય અધિકારીઓની મુલાકાત

પહેલી વખત થઈ મહત્વની મુલાકાત

વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવે કરી કાબુલની યાત્રા : પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું

નવી દિલ્હી, તા. 7 : ભારત-અફઘાનિસ્તાન સંબંધોમાં એક મહત્ત્વનો બદલાવ જોવા મળ્યો છે. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ જેપી સિંહે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં પહેલી વખત તાલિબાનના રક્ષા મંત્રી મોહમ્મદ યાકુબ મુજાહિદ સાથે કાબુલમાં મુલાકાત કરી હતી. યાકુબ તાલિબાન સમૂહના પૂર્વ સર્વોચ્ચ નેતા છે અને 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનના અમીર રહેલા મુલ્લા ઉમરના પુત્ર છે. બીજી તરફ જેપી સિંહ વિદેશ મંત્રાલયમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન મામલાના પ્રભારી છે. ભારત-અફઘાન વચ્ચે સંબંધો આગળ વધતા પાકિસ્તાનની ઉંઘ પણ હરામ થઈ રહી છે. હકીકતમાં ભારત અફઘાનિસ્તાન સાથે સંબંધોને આગળ વધારવા માગે છે કારણ કે ઓગસ્ટ 2021માં કાબુલ ઉપર તાલિબાનના કબજા બાદથી બન્ને દેશ વચ્ચેના સંબંધો ધીમા પડયા છે. ભારતીય અધિકારીએ તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી અને પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે પણ મુલાકાત કરી હતી. જેપી સિંહની એક વર્ષમાં બીજી કાબુલ યાત્રા હતી. વિદેશ મંત્રી એસ જયશંકરના નિર્દેશ ઉપર જેપી સિંહની સાથે વિદેશ મંત્રાલયનું પ્રતિનિધિમંડળ કાબુલ પહોંચ્યું હતું.

તાલિબાની રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, આ બેઠકમાં બન્ને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની ઈચ્છા ઉપર ભાર મૂક્યો છે. ખાસ કરીને માનવીય સહયોગ અને અન્ય મુદ્દે અફઘાનિસ્તાન અને ભારતે આગળ વાતચીત જારી રાખવા અને સંબંધ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેવામાં પાકિસ્તાનને હવે ચિંતા થઈ રહી છે કે ભારત-અફઘાનિસ્તાનના સારા સંબંધ થવાથી તેનું નુકસાન ભોગવવું પડશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક