• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

માઘમેળામાં શંકરાચાર્યને અટકાવાતાં વિવાદ

સ્વામી અવિમુકતેશ્વરાનંદના શિષ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી : શંકરાચાર્ય ધરણાં પર બેઠા

માઘ મેળા પ્રશાસને કહ્યું : અમે તો માત્ર રથ પરથી ઉતરી, પગે આવવા અપીલ કરી

નવી દિલ્હી, તા. 18 : પ્રયાગરાજમાં માઘ મેળામાં રવિવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને રોકવામાં આવતાં ભારે વિવાદનો વંટોળ સર્જાયેલો હતો. શંકરાચાર્યના શિષ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુકી થઇ ગઇ હતી.

પોલીસે એક સાધુને ચોકીમાં મારપીટ કરી હતી, તો અનેક અનુયાયીઓની ધરપકડ પણ કરી હતી.          

 

નારાજ થઇ ગયેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોતાના શિષ્યોને છોડાવવા માટે હઠ પકડી હતી. અધિકારીઓએ સમજાવવાની કોશિશ કરી, પરંતુ શંકરાચાર્ય ધરણાં પર બેસી ગયા હતા.

પ્રયાગરાજ મંડળનાં અધિકારી સૌમ્યા અગ્રવાલે કહ્યું હતું કે, પરંપરાથી વિપરીત અને મંજૂરી વિના શંકરાચાર્ય પાલખી પર સવાલ થઇને 200 શિષ્યો સાથે આવ્યા હતા.

સંગમ પર ભારે ભીડ હતી. શંકરાચાર્ય સાથે શિષ્યોના કાફલાએ ત્રણ?કલાક સુધી માર્ગ રોકી રાખતાં ભાવિક સમુદાયને ભારે હાલાકી વેઠવી પડી હતી, તેવું સૌમ્યા અગ્રવાલે જણાવ્યું હતું. પ્રપણરાજના કલેકટર મનિષ કુમાર વર્માએ કહ્યું હતું કે, અમે તપાસ કરી રહ્યા છીએ.

પોલીસ પ્રશાસનના વલણથી વ્યથિત થઇને ધરણા પર બેસી ગયેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ મૌની અમાસ નિમિત્તે સંગમમાં શાહી સ્નાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.

સંતો સાથે દુર્વ્યવહારથી ભારે આઘાત લાગ્યો છે, તેવું કહેતાં શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોલીસ અને પ્રશાસન સન્માન સાથે, પ્રોટોકોલ મુજબ સંગમ સુધી નહીં લઇ જાય ત્યાં સુધી હું ગંગાસ્નાન નથી કરવાનો.

માઘ મેળા પ્રશાસને  મૌની અમાસ નિમિત્તે ઉમટી પડેલી ભાવિક સમુદાયની ભારે  ભીડને ધ્યાને લેતાં સુરક્ષા અને વ્યવસ્થાનાં હિતમાં શંકરાચાર્યને રથ-પાલખી પરથી ઉતરીને પગપાળા આવવાનો આગ્રહ કરાયો હતો.

જોકે સ્વામી અવિમુકતેશ્વરાનંદના શિષ્યો માનવા તૈયાર ન થયા અને રથ સાથે જ આગળ વધવા માગતા હતા. બસ, આજ કારણે  પોલીસ અને શિષ્યો વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું, તેવું મેળા પ્રશાસને કહ્યું હતું.

શંકરાચાર્યએ પ્રશાસન પર ગંભીર આરોપ મૂકીને કહ્યું હતું કે, મોટા-મોટા અધિકારીઓએ દંડી સન્યાસીઓ અને શિષ્યો સાથે થપ્પડબાજી કરરી અને તેમને છાતી પર મારીને જમીન પર પાડી દીધા હતા.

આ કેવી હિન્દુઓની સરકાર છે, જ્યાં સંતોને પોલીસ મારપીટ કરે છે, સંતોને દર્શન કરવા નથી દેવાતાં, તેવો સવાલ શંકરાચાર્યએ નારાજગી સાથે ઊઠાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક