ગણતંત્ર
દિવસ પૂર્વે સેનાનું ‘ઓપરેશન ત્રાશી-1’ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતાં સાત જવાન ઘાયલ
નવી
દિલ્હી, તા. 18 : ગણતંત્રદિવસ પહેલાં કાશ્મીરમાં શાંતિ ડહોળવાના નાપાક ઈરાદા સાથે હાથપગ
મારી રહેલા આતંકવાદીઓ સાથે રવિવારની બપોરે સર્જાયેલાં ભીષણ ઘર્ષણમાં ભારતીય સેનાના
સાત ઘાયલ થઈ ગયા હતા. સુરક્ષાદળોએ ચોમેરથી આતંકીઓને ઘેરી લીધા હતા.
ખીણના
કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલ વિસ્તારમાં સેનાની ‘વ્હાઈટ નાઈટ કોર’ ટીમના જાંબાઝ જવાનોએ
આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન છેડયું હતું. જંગલ વિસ્તાર સોનારમાં છેડાયેલાં આ અભિયાનને
‘ઓપરેશન ત્રાશી-1’ નામ અપાયું છે.
સામસામા
ગોળીબાર વચ્ચે આંતકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ગંભીર હદે ઘાયલ ત્રણ જવાનોને હવાઈ
માર્ગે લઈ જઈ તરત હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આતંકવાદીઓ
પાકિસ્તાન સ્થિત ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે જોડાયેલા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતુ.
સુરક્ષાદળોએ
વળતા જવાબ રૂપે ગોળીબાર કર્યો હતો. જંગલ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લઈને આતંકવાદીઓને
પકડી પાડવા તલાશી અભિયાન છેડાયું હતું.
ચાલુ
વર્ષ દરમ્યાન જમ્મુ ક્ષેત્રમાં આજે આતંકવાદીઓ સાથે ધર્ષણની ત્રીજી ઘટના બની હતી. અગાઉ
સાતમી અને 13મી જાન્યુઆરીના કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં આવી ઘટનાઓ બની હતી.
ગણતંત્ર
દિવસ પહેલાં કોઇ અનિચ્છનીય આતંકવાદી હુમલા જેવી ઘટના બનતી રોકવા માટે કાશ્મીરમાં એલર્ટ
સુરક્ષાદળોએ અભિયાન તેજ કરી દીધું છે.