• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

ન્યુઝીલેન્ડ ટીમે ઇતિહાસ રચ્યો : ભારત ભૂમિ પર પહેલીવાર વન ડે શ્રેણી વિજય

ચેઝ માસ્ટર વિરાટ કોહલીની 54મી વન ડે સદી એળે : નિર્ણાયક ત્રીજા વન ડેમાં કિવિઝની 41 રને જીત

મિચેલ અને ફિલિપ્સની સદીથી ન્યુઝીલેન્ડના 8/337 સામે ભારતીય ટીમ 296

રને ઓલઆઉટ : નીતિશ-હર્ષિતની અર્ધસદી

ઇન્દોર તા.18: ચેઝ માસ્ટર વિરાટ કોહલીની 124 રનની લડાયક સદી છતાં ત્રીજા અને નિર્ણાયક વન ડે મેચમાં ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ભારતીય ટીમનો 41 રને પરાજય થયો હતો. આથી ન્યુઝીલેન્ડ ટીમે ઈતિહાસ રચી ભારત ભૂમિ પર પહેલીવાર ટીમ ઇન્ડિયા સામેની વન ડે શ્રેણીમાં વિજય હાંસલ કર્યોં હતો. પ્રમાણમાં બિન અનુભવી અને યંગ કિવિઝ ટીમે 2-1થી શ્રેણી કબજે કરી ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. 338 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 46 ઓવરમાં 296 રને ઓલઆઉટ થઇ હતી. કિવિઝ તરફથી રનમશીન ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે સદી કરી હતી. જયારે ઝેક ફોકલ્સ અને ક્રિસ્ટીન કલાર્કે 3-3 વિકેટ લીધી હતી. બીજી તરફ કિંગ કોહલીની પ4મી વન ડે અને 8પમી ઇન્ટરનેશનલ સદી અંતમાં ભારતને જીત અપાવી શકી ન હતી. હવે બન્ને ટીમ વચ્ચે બુધવારથી પ મેચની ટી-20 શ્રેણી શરૂ થશે.

કિવિઝના 8 વિકેટે 337 રનના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 71 રન સુધીમાં રોહિત શર્મા (11), કપ્તાન શુભમન ગિલ (23), શ્રેયસ અય્યર (3) અને કેએલ રાહુલ (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ કોહલીના સાથમાં પાંચમી વિકેટમાં 88 રનની ભાગીદારી કરી ભારતની ઇનિંગ સ્થિર કરી હતી. રેડ્ડી પ7 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી પ3 રને આઉટ થયો હતો.

આ દરમિયાન કોહલીએ અદભૂત અને આકર્ષક બેટિંગ કરી રન રફતાર જાળવી રાખી હતી. હર્ષિત રાણાએ પાવર હિટિંગ કર્યું હતું અને પહેલી અર્ધસદી કરી હતી, આથી ભારતની જીતની આશા જીવંત થઇ હતી, પણ રાણા 43 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી બાવન રને આઉટ થતાં મેચમાં પલટો આવ્યો હતો. આ દરમિયાન કોહલીએ તેની પ4મી વન ડે સદી પૂરી કરી હતી. રાણાના આઉટ થયા પછીના દડે જ સિરાઝ આઉટ થયો હતો. રન ગતિનો પીછો કરવાના ચકકરમાં કોહલી 108 દડામાં 10 ચોક્કા-3 છક્કાથી 124 રનની શાનદાર ઇનિંગ રમી આઉટ થયો હતો. તે નવમી વિકેટના રૂપમાં પરત ફર્યોં હતો. અંતમાં કુલદીપ રન આઉટ થતાં ભારતની ઈનિંગ 46 ઓવરમાં 296 રને સમાપ્ત થઇ હતી અને ન્યુઝીલેન્ડનો 41 રને વિજય થયો હતો. શ્રેણી 2-1થી કબજે કરી હતી.

અગાઉ ભારતીય કપ્તાન શુભમન ગિલે ટોસ જીતીને અહીંના હોલકર સ્ટેડિયમની સપાટ પિચ પર બોલિંગ પસંદ કરી હતી. ગિલનો બંધ બાજીનો આ જુગાર પ્રારંભે સફળ રહ્યા બાદમાં  નિષ્ફળ નીવડયો હતો. રનમશીન ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની આક્રમક સદીની સહારે ન્યુઝીલેન્ડે મિચેલ અને ફિલિપ્સની સદીથી ભારતીય બોલરોની ધોલાઇ કરીને પ0 ઓવરમાં 8 વિકેટે 337 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.

ભારતની શરૂઆત શાનદાર રહી હતી. અર્શદીપ પહેલી ઓવરમાં જ ત્રાટકયો હતો. તેણે હેનરી નિકોલ્સ (0)નો શિકાર કર્યોં હતો. જયારે બીજી ઓવરમાં હર્ષિત રાણાએ ડવેન કોન્વે (પ)ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. વિલ યંગ 30 રન કરી રાણાનો બીજો શિકાર બન્યો હતો. પ8 રનમાં 3 વિકેટ પડયા પછી કિવિઝ ટીમની વહારે ફરી એકવાર અનુભવી બેટર ડેરિલ મિચેલ આવ્યો હતો. ગ્લેન ફિલિપ્સે તેનો બખૂબી સાથ આપ્યો હતો. આ બન્નેએ સ્કોર બોર્ડના પાટિયા ફરતા રાખીને ચોથી વિકેટમાં 188 દડામાં 219 રનની સંગીન ભાગીદારી કરી હતી. મિચેલે શ્રેણીની બીજી સદી  અને કેરિયરની 9મી સદી કરી હતી. તેણે 131 દડામાં 1પ ચોક્કા-3 છક્કાથી 137 રનની ઈનિંગ રમી હતી. જયારે ગ્લેન ફિલિપ્સે કેરિયરની બીજી સદી કરી હતી. ફિલિપ્સ 88 દડામાં 9 ચોક્કા-3 છક્કાથી 106 રન કરી આઉટ થયો હતો. કિવિઝ કેપ્ટન બ્રેસવેલ 18 દડામાં 3 છક્કાથી 28 રને નોટઆઉટ રહ્યો હતો. વિકેટકીપર મિચેલ હે 2, ઝેક ફોકસ 10, કલાર્ક 11 રને આઉટ થયા હતા. આથી ન્યુઝીલેન્ડના પ0 ઓવરમાં 8 વિકેટે 337 રન થયા હતા. કિવિઝ ઇનિંગમાં કુલ 11 છક્કા અને 33 ચોક્કા લાગ્યા હતા.

અર્શદીપે 63 રનમાં 3 અને હર્ષિતે 84 રનમાં 3 વિકેટ લીધી હતી. સિરાજ અને કુલદીપને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક