• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

ગાઝા પીસ બોર્ડ માટે ભારતને આમંત્રણ

મધ્ય પૂર્વ શાંતિ પહેલમાં ભારતને મળી મોટી જવાબદારી : બોર્ડ ઈઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત કરવા મહત્ત્વની ભૂમિકા ભજવશે : ભારત કે અમેરિકી સરકાર તરફથી સત્તાવાર નિવેદન જાહેર થવાનું બાકી

નવી દિલ્હી, તા. 18 : અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે. જેનો હેતુ ઈઝરાયલ-હમાસ યુદ્ધને પુરી રીતે સમાપ્ત કરવાનો છે. યુદ્ધવિરામ છતાં અહેવાલો સામે આવી રહ્યા છે કે ઈઝરાયલ સતત ગાઝામાં હુમલા કરી રહ્યું છે.

ટ્રમ્પે ગુરૂવારે ગાઝા બોર્ડ ઓફ પીસના બીજા તબક્કાના ગઠનની ઘોષણા કરી હતી. જેને તેઓ યુદ્ધ ખતમ કરવા મહત્વનું પગલું માને છે. આ બોર્ડ ગાઝાના દરરોજના મામલાને સંભાળવા માટે એક ટેક્નીકલ સમિતિની દેખરેખ કરશે અને યુદ્ધવિરામના માળખાનો હિસ્સો રહેશે. બોર્ડનો હેતુ ગાઝા ક્ષેત્રમાં સ્થિરતા લાવવાનો અને ત્યાંના પુનર્વિકાસ માટે રણનીતિ બનાવવાનો છે. ટ્રમ્પની યોજના હેઠળ ગાઝાને ફરીથી  રહેવા લાયક બનાવવા માટે જરૂરી ભંડોળ એકત્રિત કરવામાં આવશે. જેનાથી ક્ષેત્રની સ્થિતિ દરેક સ્તરે સારી બની શકે.

અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા ચાર અન્ય દેશને પણ બોર્ડમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. એક અમેરિકી અધિકારી અનુસાર જો કોઈ દેશ સ્થાયી સભ્યપદ ઈચ્છે તો તેણે 1 અબજ અમેરિકી ડોલરનું યોગદાન આપવું પડશે જ્યારે ત્રણ વર્ષનું સભ્ય પદ મેળવવા માટે કોઈ આર્થિક સહાય આપવાની જરૂરીયાત નથી.

આ કદમ વૈશ્વિક સ્તરે ભારતની વધતી ભૂમિકા અને તેના મહત્વપુર્ણ ભૂ-રાજનીતિક પ્રભાવને દર્શાવે છે. વર્તમાનમાં દુનિયામાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ભારતનું આ સ્થાન સ્થિરતા અને સંધિ પ્રક્રિયામાં એક સક્રિય ભાગીદારી બનવાની તરફ ઈશારો કરે છે.

ટ્રમ્પની પહેલ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાની એક મોટી કોશિશ છે. જેમાં ભારત જેવા વિશ્વ સ્તરના પ્રમુખ દેશોની ભાગીદારીથી આશા વધારે મજબૂત બની છે. ગાઝા બોર્ડ ઓફ પીસના માધ્યમથી ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે શાંતિ અને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવે તેવી સંભાવના છે. 

ઇ-પેપરના નવા શુલ્ક