• મંગળવાર, 30 એપ્રિલ, 2024

જૂનાગઢના હની ટ્રેપ પ્રકરણમાં બે મહિલા સહિત 4 ઝડપાયા રાજકોટના યુવક પાસેથી વીંટી-નાણાં પડાવ્યાં’તાં

જૂનાગઢ, તા.16: રાજકોટના વિપ્ર યુવાનને જૂનાગઢમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ચાર શખસને એસઓજી પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.  આ અંગેની વિગત પ્રમાણે રાજકોટના વિપ્ર યુવાનને જૂનાગઢની રુહી પટેલ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી જૂનાગઢ બોલાવી ટોળકીએ પૈસા પડાવવા હની ટ્રેપમાં ફસાવી સોનાની વીંટી, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પડાવી રૂા.25 લાખની માગણી કર્યાની જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધારીઓની સૂચના મુજબ એસઓજી પોલીસે સોમવારે રૂા.7 લાખ આપવાના વાયદા મુજબ આ નાણાં જૂનાગઢ બાયપાસ ઉપર હિંગળાજ હોલ આગળ લેવા આવનાર હોવાથી પોલીસ વોચમાં ગોઠવાઈ હતી. તેવામાં બે શખસ બાઇક નં જીજે-03એમડી-7999માં આવતા દબોચી લીધા હતા.

આ બન્નેની એસઓજી ઓફિસે લાવી આગવી ઢબે પૂછતાછ કરતા રાજકોટનો નિયોજિત નરસિંહ ઠુમ્મર તથા રાહુલ સુરેશ પરમાર હોવાનું જણાવેલ. આ ટોળકીમાં જૂનાગઢની મહિલા હીના કાનજી વાઢેર (ઉં.25) તથા હિનાબેન રમેશ વિરડિયા હોવાનું જણાવતા આ બન્ને મહિલાને ઝડપી લીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ટોળકીની મોડસ ઓપરેન્ડીમાં મહિલા અજાણ્યા પુરુષને પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવી ટોળકી બ્લેકમેઇલ કરી નાણાં પડાવતી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા યુવાનોને ફસાવ્યા ? કેટલી રકમ પડાવી સહિતની વિગતો મેળવવા માટે રીમાન્ડ ઉપર મેળવવા તજવીજ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક