• રવિવાર, 28 એપ્રિલ, 2024

બોટાદમાં આંતરરાજ્ય કારચોર ગેંગનો પર્દાફાશ: 1.21 કરોડની 8 કાર કબજે

નાગલપરનાં એક શખસની ધરપકડ, અન્ય બે ફરાર: લક્ઝરીયસ કાર ચોરીને સસ્તામાં વેચી નાખતા !

 

બોટાદ, તા. 28 : ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી કિંમતી લક્ઝરીયસ કારની ચોરી કરીને ગેરકાયદે રીતે સસ્તામાં લે-વેચ કરતા બોટાદ જિલ્લાના નાગલપર ગામના એક શખ્સને પોલીસે આઠ કાર અને એક મોબાઈલ ફોન મળીને રૂ.1.21 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે જ્યારે તેના અન્ય બે સાગરીતોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદ જિલ્લા એલસીબી તથા એસઓજી ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે નાગલપર ગામનો તુલશી કાનજીભાઇ ઠોળીયા ચોરી કરીને મેળવેલી કિંમતી કારની લે-વેચ કરે છે. જેથી એલસીબી, એસઓજી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરાવતા તુલશી ઉર્ફે હિતેશ કાનજીભાઇ ઠોળીયા ખરેખર શંકાસ્પદ હીલચાલ કરતા મળી આવ્યો હતો. પરિણામે તેને સકંજામાં લઈને પુછપરછ કરતા પ્રથમ ગલ્લાતલ્લા કર્યા હતા. પરંતુ તેના મકાન સહિતની સ્થળોની તલાસી લેતાં કીયા, ક્રેટા, ફોરચ્યુનર, ડક્રોસ, બ્રેન્ઝા, બલેનો જેવી અલગ અલગ કંપનીની આઠ ફોરવ્હીલ ગાડીઓ મળી આવી હતી. જો કે, આ કિંમતી લક્ઝરીયસ ગાડીઓનાં કાગળો તેની પાસે નહોતા. જેથી પોલીસે આગવીઢબે પુછતાછ કરતા તમામ ગાડીઓ ચોરીની હોવાની કબુલાત આપી દીધી હતી.

પરિણામે પોલીસે તુલશી ઉર્ફે હિતેશ કાનજીભાઇ ઠોળીયાની ધરપકડ કરીને આઠ કાર તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,21, 40, 000 ના મુદ્દામાલ વધુ પુછતાછ આરંભી હતી. જેમાં આઠ ફોરવ્હીલ ગાડી પૈકી કીયા, ક્રેટા અને ફોરચ્યુનર એમ ત્રણ કારની દિલ્હીમાંથી ચોરી થયાની ત્યાંનાં અલગ-અલગ વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ગુના પણ  નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેથી ત્રણ કારની ચોરીનો ભેદ બોટાદ પોલીસે ઉકેલ્યો છે. આ સિવાય અન્ય પાંચ ગાડીઓ સંબંધે હાલમાં તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર ચોરીને વેચવાનાં આ ગુનામાં તેની સાથે બ્રિજેશ ઉર્ફે બાલો વિનુભાઇ મોણપરા (રહે. સુરત) અને રમેશ ઉર્ફે રામો મેરાભાઇ હાડગડા (રહે. નાગલપર)નાં પણ સાગરીત તરીકે નામ ખુલતા પોલીસે તેઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક