ભાવનગર સરકારી મેડિકલ કોલેજના બનાવથી ચકચાર ; મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
ભાવનગર, તા.25 : ભાવનગર સરકારી
મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.કિન્નર સોમાભાઈ
દેસાઈનો ગોકુલધામ ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તબીબી જગતમાં ચકચાર
મચી ગઈ હતી. પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ડો.કિન્નર
દેસાઈ છેલ્લા ચાર દિવસથી મેડિકલ કોલેજમાં ફરજ પર આવ્યા ન હતા. મોબાઇલ ફોન પર પણ સંપર્ક
ન થતાં કોલેજના તંત્ર દ્વારા તેમના ટોપ થ્રી સર્કલ નજીક આવેલા ગોકુલધામ ફ્લેટ નંબર-201માં
તપાસ કરવામાં આવી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. આ અંગે સ્થાનિક પોલીસ અને ફાયર
વિભાગને જાણ કરવામાં આવતા બંને ટીમો સ્થળ પર પહોંચી હતી. દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ
કરતાં બેડ પરથી ડો.દેસાઈનો થોડો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ
થતાં પોલીસ દ્વારા મૃતદેહને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં
આવ્યો હતો.
ડો.દેસાઈ છેલ્લા 10 વર્ષથી ભાવનગર
સરકારી મેડિકલ કોલેજ સાથે જોડાયેલા હતા. તેમના શંકાસ્પદ મોતના સમાચારથી તબીબી ક્ષેત્રમાં
પણ ચર્ચા જાગી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી
છે. પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડો.દેસાઈ મૂળ અમદાવાદ જિલ્લાના વતની
હોવાનું જાણવા મળ્યું છે. તેમના પત્ની પણ મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે અને પુત્ર સાથે
અમદાવાદમાં રહે છે.