• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ભારત-વિન્ડીઝ વચ્ચે વન-ડે જંગ, આવતીકાલે પ્રથમ મેચ ભારતીય ટોપ-ઓર્ડર અને કેરેબિયન પાવર-હિટર્સ પર સૌની નજર

નવી દિલ્હી, તા.25 : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની શ્રેણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે. શાઈ હોપના નેતૃત્વમાં કેરેબિયન ટીમ ભારતીય ધરતી પર પહોંચીને નેટ્સમાં પરસેવો પાડી રહી છે. બીજી તરફ યુવા સુકાની શુભમન ગિલની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા પણ પ્રથમ મુકાબલા માટે તિરુવનંતપુરમ પહોંચી ચૂકી છે. શ્રેણીનો પ્રથમ વન-ડે મુકાબલો 27 સપ્ટેમ્બરના રોજ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

બંને ટીમો વચ્ચે પ્રથમ 3 વન-ડે મેચોની શ્રેણી અને ત્યારબાદ 5 ટી-20 મુકાબલા રમાશે. આ શ્રેણી માટે બોર્ડે અગાઉથી જ ટીમની જાહેરાત કરી દીધી છે. સૌથી મોટું આકર્ષણ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની ઉપસ્થિતિ રહેશે. બંને દિગ્ગજો મેદાન પર ઉતરવાના હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં મેચ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ડે-નાઇટ મુકાબલો હશે અને ભારતીય સમયાનુસાર બપોરે 2:00 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ બપોરે 1:30 વાગ્યે ઉછાળવામાં આવશે. 50 ઓવરનો હોવાથી આ મેચ આશરે સાડા સાતથી આઠ કલાક ચાલશે અને પરિણામ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ આવી શકે છે. કેરેબિયન પાવર-હિટર્સ અને ભારતીય ટોપ-ઓર્ડર વચ્ચેનો આ જંગ હાઈ-વોલ્ટેજ સાબિત થવાની પૂરી સંભાવના છે.

ટીમ ઇન્ડિયામાં શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જાયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, ઔકિબ નબી, નમન ધીરને પસંદ કરાયા છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ દ્વારા શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુ, જોન કેમ્પબેલ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, જાસ્ટિન ગ્રીવ્સ, આમિર જાંગુ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, વિટેલ લોજ, ગુડાકેશ મોતી, કીમો પોલ, શેરફેન રધરફોર્ડ, જેડન સીલ્સની ટીમ મેદાનમાં ઉતારવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક