• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ગોંડલ યાર્ડના વેપારી સાથે 21.38 લાખની ઠગાઈ

ગોધરાના ઠગ વેપારીએ ઉધારમાં ડુંગળીનો જથ્થો મંગાવી ફોન બંધ કરી દીધો

ગોંડલ, તા.25: ગોંડલ માર્કેટીંગ યાર્ડના એક વેપારી સાથે ડુંગળીના વેપારમાં મોટી રકમની છેતરાપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગોધરાની ‘શ્રીજી આલુ ભંડાર’ પેઢીના સંચાલકે ગોંડલના વેપારી પાસેથી લાખો રૂપિયાનો માલ મગાવીને નાણાં ન ચૂકવીને ગુનો આચર્યો છે.

આ કેસમાં ગોંડલના મોવિયા રોડ પર રહેતા વૃદ્ધ વેપારી જુમ્માભાઈ ઇબ્રાહીમભાઈ દોઢિયાએ ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમની ભાગીદારી પેઢી ‘ખુશ્બુ ટ્રાડિંગ’માંથી ગોધરાના સંચાલક રાહુલે ટેલિફોનિક સંપર્ક કરી વિશ્વાસ કેળવ્યો હતો અને કટકે કટકે કુલ 29,38,431 રૂપિયાની કિંમતની ડુંગળીનો જથ્થો મગાવ્યો હતો.

આ માલ સામે આરોપીએ આંગડિયા પેઢી મારફતે માત્ર 8 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે બાકી રહેતા 21,38,431 રૂપિયા ન આપીને ઠગાઈ આચરી હતી. વેપારીએ નાણાંની ઉઘરાણી કરતા આરોપીએ રૂબરૂ આવીને પૈસા આપી જવાનું કહીને પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો. અગાઉ આ જ શખસ વિરુદ્ધ જેતપુરના અન્ય એક વેપારી સાથે પણ 15.61 લાખની છેતરાપિંડી કર્યા અંગેનો ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક