શંખેશ્વર દર્શને જતો મુંબઈનો પરિવાર બન્યો અકસ્માતનો ભોગ
સુરત, તા.25 : સુરત જિલ્લામાંથી
પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ-વે પર કામરેજ નજીક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ
નીપજ્યાં હતાં. મુંબઈથી પાટણના શંખેશ્વર જૈન તીર્થના દર્શન માટે જઈ રહેલી ટાટા હેરિયર
કાર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતાં કારમાં સવાર ચારેય મુસાફરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ
થયાં હતાં.
મળતી માહિતી મુજબ, મુંબઈ-અમદાવાદ
નેશનલ હાઇવે પર કામરેજ નજીક ડાબી તરફની પાંચમી લેન એટલે કે ઇમરજન્સી લેનમાં ડમ્પર ટેકનિકલ
ખામીના કારણે ઉભું હતું. દરમિયાન પૂરઝડપે આવી રહેલી હેરિયર કારના ચાલકને ડમ્પર દેખાયું
ન હોય તેમ કાર સીધી પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં
સવાર ચારેય વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો
તેમજ હાઇવે પેટ્રાલિંગ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી કારમાંથી
મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કામરેજ સીએચસી
ખાતે મોકલી આપ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકો મુંબઈના હોવાનું જાણવા
મળ્યું છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ ખાતે પૂનમ ભરવા જતા હતા.
આવતીકાલે પૂનમ હોવાથી આ પરિવાર શંખેશ્વર દર્શન માટે નીકળ્યો હતો. અકસ્માતના પગલે પરિવારજનોમાં
શોકની લાગણી પ્રસરી છે.