• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

વૈશ્વિક દેવું 365 લાખ કરોડ ડોલરને પાર

-અર્થશાત્રીઓ દ્વારા એલર્ટ ઃ ટોચના ચાર અર્થતંત્રો વધતા જતા ખર્ચનો સામનો કરે છે

વાશિંગ્ટન, તા. 25 ઃ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટરનેશનલ ફાયનાન્સે ટોચના વૈશ્વિક અર્થતંત્રો માટે ભયજનક ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે વિશ્વના અગ્રણી દેશોની સરકારો જંગી ખાધ વિષચક્રમાં સપડાઈ ગઈ છે. તેના લીધે તેમનો વ્યાજખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. તેમને ત્યાં મોંઘવારી માઝા મૂકી રહી છે. તેના લીધે વૈશ્વિક દેવાનો આંકડો 365 લાખ કરોડ ડોલરને વટાવી ગયો છે.

ચાલુ વર્ષે જ આ દેવાના આંકડામાં બીજા 10 લાખ કરોડ ડોલરનો વધારો થયો છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને યુ.કે. આજે ઇમર્જિંગ માર્કેટ્સ પોતાની ખાધને અંકુશમાં રાખવા જે પડકારનો સામનો કરતા હતા બિલકુલ તેવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. 

આ વિકસિત અર્થતંત્રો દ્વારા કરવામાં આવતી વ્યાજની ચૂકવણી વૈશ્વિક એઆઈ, ડિફેન્સ અને ટેકનોલોજી પરના ખર્ચ કરતાં પણ વધારે છે. આ દિશામાં જો તાકીદનાં પગલાં નહીં ભરવામાં આવે તો મોટાપાયા પર વૈશ્વિક નાણાકીય આફત આવી શકે છે. 

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઇએમએફ)ના ચીફ ક્રિસ્ટલિના જ્યોર્ગિવાએ જણાવ્યું હતું કે, આ અત્યંત ચિતાજનક બાબત છે. વિશ્વના ટોચના દેશોએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં વૈશ્વિક દેવુ 10 લાખ કરોડ ડોલર વધીને 365 લાખ કરોડ ડોલર થઈ ગયું છે.

વિશ્વના અગ્રણી અર્થતંત્રોએ છેલ્લા દાયકા કરતાં પણ વધુ સમયથી મધ્યમથી લાંબા ગાળાના સ્વરૂપમાં જારી કરેલા સરકારી બોન્ડના લીધે સરકારી દેવું જંગી સ્તરે પહોંચી ગયું છે.  અમેરિકાનું દેવું 40 લાખ કરોડ ડોલરને વટાવી ચૂક્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક