રાત્રે વાકિંગ માટે નીકળેલા બે મિત્રોને પાછળથી કારે અડફેટે લીધા, અજાણ્યા કારચાલક સામે ફરિયાદ
પોરબંદર,તા.20
: રાણાવાવ નજીક હાઇવે પર રાત્રે વાકિંગ માટે નીકળેલા બે મિત્રોને કારે પાછળથી ટક્કર
મારતા એક યુવાનનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય યુવાનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ
ખસેડાયો હતો. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
રાણાવાવના
સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા નરેન્દ્રભાઈ નાથાભાઈ સોલંકીએ
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.15 સપ્ટેમ્બરની રાત્રે તેમને પાડોશી નિલેશભાઈએ
પુત્ર કિશનનો અકસ્માત થયાની જાણ કરી હતી. તેઓ તાત્કાલિક પોરબંદરની ભાવાસિંહજી હોસ્પિટલ
પહોંચ્યા હતા. ત્યાં 20 વર્ષીય કિશન બેભાન હાલતમાં હતો, જ્યારે તેનો મિત્ર કરણ પણ ઇજાગ્રસ્ત
હતો. મિત્રોએ જણાવ્યું હતું કે, રાત્રે આશરે 10 વાગ્યે કિશન, કરણ સહિત મિત્રો રાણાવાવથી
ટોલનાકા તરફ વાકિંગ અને નાસ્તો કરવા નીકળ્યા હતા. તેઓ રસ્તા પર આગળ વધી રહ્યા હતા ત્યારે
પાછળથી કાળા રંગની કારના ચાલકે બેફિકરાઈથી વાહન હંકારી બંનેને ટક્કર મારી હતી. ટક્કરથી
બંને ફંગોળાઈ ગયા હતા. અન્ય મિત્રોએ કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે
નાસી છૂટયો હતો. લક્ષ્મણે 108ને જાણ કરતાં બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા. કિશનની હાલત
ગંભીર હોવાથી તેને જામનગર લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તા.17 સપ્ટેમ્બરે તેનું મૃત્યુ
થયું હતું. ત્યારબાદ પિતાએ અજાણ્યા કારચાલક સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક કિશન પરિવારનો નાનો પુત્ર અને બહેન મિતાલીનો એકમાત્ર ભાઈ હતો.