• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

પોરબંદરમાં કોર્ટ બિલ્ડિંગમાંથી બે વકીલે જ કરી ચોરી !

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મીડિયેટર સેન્ટરમાંથી થઈ હતી રૂ.1.17 લાખના બે કોમ્પ્યુટર સેટની ચોરી

પોરબંદર, તા.19 : પોરબંદરમાં તસ્કરોએ કોર્ટ બિલ્ડિંગને નિશાન બનાવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મીડિયેટર સેન્ટરમાંથી રૂ.1.17 લાખના બે કોમ્પ્યુટર સેટની ચોરી થઈ હતી. જેમાં પોલીસે બે વકીલની મુદ્દામાલ સાથે ધરપકડ કરતા ચકચાર મચી છે. 

પોરબંદર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્શ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં ફરજ બજાવતા રચિત દુષ્યંતભાઈ દેસાઈએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ઓફિસનાં મીડિયેશન સેન્ટરમાં ડે કંપનીના ઓલ ઇન વન કોમ્પ્યુટર તથા કીબોર્ડ અને માઉસના બે નંગ સેટ મૂકેલા હતા. ગત તા.17ના પટ્ટાવાળા વેજાભાઈએ કોમ્પ્યુટરના બે સેટ ન હોવાની જાણ કરી હતી. તપાસ કરવા છતાં ન મળી આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈને પોલીસે છાયા વિસ્તારમાં રેહતા વકીલ સાગર વિનોદ સિંગરખિયા અને ઝુરીબાગ શેરીમાં રહેતા વકીલ અભિષેક નાથાલાલ સલેટને ચોરીના બન્ને કોમ્પ્યુટર સેટ સાથે ઝડપી લીધા હતા. બન્નેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદરના કોર્ટ બિલ્ડિંગમાં બે વકીલે જ ચોરી કરવાનો બનાવ સામે આવતા અન્ય વકીલોમાં ચર્ચાઓ જાગી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક