• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

શેરિયાખાણ ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, વૃદ્ધનું શંકાસ્પદ મૃત્યુ

કચરો હટાવવા મુદ્દે વિવાદ બાદ મારામારી; મૃત્યુનું કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થશે

માળિયા હાટીના તા.6 માળિયા હાટીના તાલુકાના શેરિયાખાણ ગામે કચરો અને ભેંસના રાળા હટાવવા જેવી નજીવી બાબતને લઈને બે જૂથ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારી અને ઝપાઝપી થઈ હતી. ઘટનાના થોડા સમય બાદ 58 વર્ષીય સુકાભાઈ રાણાભાઈ ભરડાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મૃતકના ભત્રીજા શૈલેષભાઈ ભરડાના જણાવ્યા મુજબ, સવારે આશરે 6 વાગ્યે કચરો હટાવવા મુદ્દે લાખાભાઈ ભગાભાઈ સિંધલ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સવારે સાડા આઠ વાગ્યે સામા પક્ષના લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. દરમિયાન શૈલેષભાઈ, તેમની માતા અને વચ્ચે બચાવવા આવેલા કાકા સુકાભાઈ ભરડા પર પણ હુમલો થયો હતો. ઝપાઝપી દરમિયાન સુકાભાઈ નીચે પડી ગયા હતા. ઘટના બાદ સુકાભાઈ પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તેમને તાત્કાલિક માળિયા હાટીના સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પી.આઈ. એમ. જી. ચૌધરી પોલીસ ટીમ સાથે હોસ્પિટલ દોડી ગયા હતા.

ડીવાયએસપી દિનેશ કોડિયાતરે જણાવ્યું હતું કે રસ્તા પર કચરો ફેંકવાના મુદ્દે બે અલગ-અલગ સમાજના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. પરિવારજનોના આક્ષેપોને ધ્યાનમાં રાખીને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક