• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અમદાવાદ: દુષ્કર્મ કેસના આરોપીનું પોલીસ કસ્ટડીમાં હાર્ટ એટેકથી મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.7: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વર્ષ 2019ના સગીરા સાથેના દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના કેસમાં પકડાયેલા અહેમદ અસલમભાઈ અન્સારી નામના આરોપીનું પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન અચાનક તબિયત બગડતાં મોત નીપજ્યું છે. સગીરા જ્યારે 13 વર્ષની હતી ત્યારે આરોપીએ તેને પોતાના ઘરે બોલાવી બીભત્સ વીડિયો બતાવી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવી લાંબા સમય સુધી બ્લેકમેલ કર્યો હતો. તાજેતરમાં આ વીડિયો વાયરલ થતાં પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ વેળાએ આરોપીને અચાનક ખેંચ આવતા અને બેહોશ થઈ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કસ્ટોડિયલ ડેથની ઘટના બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ પેનલ ડોક્ટરોની હાજરીમાં અને વીડિયોગ્રાફી સાથે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેનો પ્રાથમિક રિપોર્ટ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું દર્શાવે છે. હાલ બાપુનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક