• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

એક ઉપર હુમલો, ત્રણેય ઉપર હુમલો: પાક., સાઉદી અને તુર્કી વચ્ચે સમજૂતી

સંરક્ષણ સમજૂતી પાક. માટે ઈરાન સામે બનશે અસલી અગ્નિપરીક્ષા

નવીદિલ્હી,તા.7: પાકિસ્તાન, સાઉદી અરબ અને તુર્કીએ આજે મક્કામાં એક રક્ષા સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતાં અને તેનાં અંતર્ગત આ ત્રણમાંથી કોઈપણ દેશ ઉપર હુમલો થાય તો ત્રણેય દેશ આને પોતાનાં ઉપર થયેલો હુમલો માનશે.

આ સમજૂતીને મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ નામ આપવામાં આવ્યું છે. આ સમજૂતી ઉપર પાક.નાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફ, સાઉદીનાં રાજકુમાર મોહમ્મદ બિન સલમાન અને તુર્કીનાં રાષ્ટ્રપતિ તૈય્યપ એર્દોગને હસ્તાક્ષર કર્યા હતાં.

આ વિશે ભારતનાં વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા હાલનાં તબક્કે ફક્ત એટલું જ કહ્યું હતું કે, આ ઘટનાક્રમો ઉપર ભારતની નજર છે. જો કે આ ત્રણેય દેશ ઘણાં લાંબા સમયથી સંરક્ષણ સહયોગી રહ્યાં છે એટલે ભારત આ મુદ્દે કોઈ અણધારી પ્રતિક્રિયા આપે તેવી સંભાવના ઓછી દેખાય છે. જો કે આ સમજૂતી પાક. માટે અગ્નિ પરીક્ષા બની જવાની છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધમાં ઈરાન તરફથી સાઉદીમાં પણ હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં પાકિસ્તાને હવે ઈરાન સામે સીધી બાથ ભીડવાની હિંમત કરવી પડી શકે છે. પાક. અને ઈરાન પાડોશી અને એકબીજાને મિત્ર દેશ પણ ગણાવે છે. તો હવે શું પાકિસ્તાન ઈરાન સાથેની મિત્રતાને કોરાણે મૂકીને આ સમજૂતીને વરેલું રહી શકશે એ સૌથી મોટો સવાલ ઉભો થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક