• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વઢવાણના નગરા ગામે વોંકળામાં નાહવા ગયેલા ચાર યુવકના ડૂબી જવાથી મૃત્યુ

રાજસ્થાનના યુવકો સુરેન્દ્રનગરની સોલાર કંપનીમાં કરતા હતા કામ, સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહો બહાર કાઢયા

સુરેન્દ્રનગર, તા.7: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામ નજીક એક કરુણ ઘટના બની હતી. ગામની નજીક આવેલા વોંકળામાં નાહવા ગયેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમના મૃત્યુ નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ભારે શોધખોળ બાદ ચારેય યુવકના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.  પ્રાથમિક માહિતી મુજબ, ચારેય યુવક વોંકળાના પાણીમાં નાહવા માટે ગયા હતા. શરૂઆતમાં તેઓ સામાન્ય રીતે નહાઈ રહ્યા હતા, પરંતુ અચાનક ઊંડા પાણીમાં સરકી જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીની ઊંડાઈ અને પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ બહાર આવી શક્યા નહોતા અને થોડા જ સમયમાં ચારેય યુવક ડૂબી ગયા હતા.

યુવકો ડૂબ્યાની જાણ થતાં જ ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબી મહેનત બાદ ચારેય યુવકના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકો રાજસ્થાનના રહેવાસી હતા. તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી એક સોલાર કંપનીમાં કામ કરવા માટે થોડા સમય પહેલાં આવ્યા હતા. ફુરસદના સમયે તેઓ નગરા ગામ નજીક આવેલા વોંકળામાં નાહવા ગયા હતા, જ્યાં આ દુર્ઘટના બની હતી. પોલીસે ચારેય મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. મૃતકોમાં મોહનલાલ, જીવારામ, રમેશકુમાર, કુશારામ બધા રહે રાજસ્થાન આશરે 25 વર્ષ ઉમર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેમજ ઘટનાના ચોક્કસ કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ગુજરાતના દંડક અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદિશ મકવાણા ઘટનાસ્થળે દોડી ગયા હતા  અને બનાવ અંગેની માહિતી મેળવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક