ભાવનગર, તા.22: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલભીપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીની ઇકો કાર, રોકડ રકમ અને પાન- મસાલા સહિત કુલ રૂ.2,88,798નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ભાવનગરના શિહોર, વલભીપુર તેમજ અમદાવાદ ગ્રામ્યના બાવળા અને સાણંદ પંથકમાં થયેલી વાહન ચોરી અને દુકાનોના તાળા તૂટવાના કુલ 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખિયા
તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વલભીપુર પાંજરાપોળ અને બજરંગ ચોકડી પાસે એક
ઇસમ સફેદ કલરની ઇકો કાર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે
તેને દબોચી લીધો હતો. પકડાયેલા ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સલમાન આયાતુલ્લા
ઉર્ફે યાતુલ્લા નુરમહંમદ શાહ (ઉં.વ.22, રહે. અંબરનાથ વેસ્ટ, થાણે, મહારાષ્ટ્ર, મૂળ
ઉત્તર પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. કારના
કાગળો કે બિલ માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે શંકાસ્પદ મિલકત તરીકે કાર કબજે
કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ તેના અન્ય બે સાગરીતો
જગદીશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ (રહે. નડિયાદ) અને સીરાજ નુરમહંમદ શાહ (રહે. થાણે,
મહારાષ્ટ્ર) સાથે મળીને આચરેલી ચોરીઓની કબૂલાત કરી હતી. આરોપીઓએ બે મહિના પહેલા શિહોરમાંથી ઇકો કાર ચોરી કરી, વલભીપુર હાઇવે પરની એક દુકાનમાંથી
પાન- મસાલા અને રોકડની ચોરી કરી હતી. ત્યાર બાદ 15 દિવસ પહેલા બાવળા-નળ સરોવર રોડ પર
આવેલી પાન- મસાલાની દુકાનના તાળા તોડયા હતા અને બે દિવસ પહેલા સાણંદમાંથી બીજી ઇકો
કાર ચોરી કરી ફરીએ જ બાવળા વાળી દુકાનને બીજી વાર નિશાન બનાવી ચોરી આચરી હતી. આ ટોળકી
રાત્રીના સમયે વાહન ચોરી કરી, તે જ વાહનનો ઉપયોગ કરી પાન- મસાલાની દુકાનોને નિશાન બનાવવાની
ખાસ મોડેલ ઓપરેન્ડી ધરાવતી હતી. પકડાયેલ આરોપી સલમાન અગાઉ વલસાડના ડુંગરા પોલીસ મથકે પણ ઘરફોડ ચોરીના
ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.
પોલીસે
આરોપી પાસેથી મારૂતિ સુઝીકી ઇકો કાર (નંબર જીજે-38-બીએ-3426), રોકડ રૂપિયા 82,770,
વિમલ પાન મસાલા, તમાકુના પેકેટ્સ, એક મોબાઇલ ફોન અને ડ્રાઇવવિંગ લાયસન્સ સહિત કુલ રૂ.2,88,798નો
મુદ્દામાલ જપ્ત કર્યો છે.