• શુક્રવાર, 22 મે, 2026

વેરાવળમાં ફિલ્મી ઢબે ફાયારિંગ કરી હત્યાના ચારેય આરોપી પિસ્તોલ-કારતૂસ સાથે પકડાયા

કેશોદ બાયપાસ અને ઉમરેઠી ડેમ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લીધા : ધંધાકીય હરીફાઈની અદાવત અને ચૂંટણીના મનદુ:ખના કારણે હત્યા કરી હોવાનો ખુલાસો

વેરાવળ, તા. 21 : સંવેદનશીલ વેરાવળમાં દિનદહાડે થયેલી ચકચારી ફાયારિંગ વિથ મર્ડરની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળવાની સાથે ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ ફાયરીંગની ઘટનામાં તુરક સમાજના જાવીદ તજવાણીના મૃત્યુ બાદ ગીર સોમનાથ પોલીસે માત્ર 24 કલાકની અંદર જ મુખ્ય શુટર કુખ્યાત એફ એમ ગ્રુપના ફારૂક મૌલાના સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. આ સાથે હત્યામાં ઉપયોગ થયેલી દેશી રીવોલ્વર અને બે જીવતા કાર્ટુસ કબ્જે કરવામાં આવ્યા છે.

વેરાવળના સોમનાથ ટોકીઝ નજીક ગઇકાલે બપોરે ફિલ્મી સ્ટાઇલમાં સરાજાહેર ફાયારિંગની ઘટના બની હતી. જેમાં બર્ગમેન મોપેડ પર આવેલા ચાર આરોપીઓએ જાવીદ ઉર્ફે જાહીદ તજવાણીને નિશાન બનાવી કપાળના ભાગે ગોળી મારી હતી. જેથી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ત્યારે સારવાર દરમ્યાન જાવીદનું  મોત નિપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડા જયદીપાસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને વેરાવળ સીટી પોલીસની અલગ અલગ ટીમોની રચના કરી તપાસમાં જોડાઈ હતી.

  ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ કેશોદ બાયપાસ પરથી ત્રણ અને ઉમરેઠી ડેમ વિસ્તારમાંથી એક મળી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડેલા આરોપીઓમાં મુખ્ય શૂટર ફારૂક મૌલાના, તેનો પુત્ર જાવેદ, ડ્રાઇવર અનીશ કુરેશી અને સમીર ઉર્ફે બાલીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસ અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ મોપેડ સ્કુટર પણ કબ્જે કર્યા છે.

આ અંગે પોલીસવડા જયદીપાસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટના ધંધામાં સ્પર્ધાની અદાવત અને સ્થાનિક ચૂંટણીના મનદુ:ખના કારણે બંન્ને પક્ષો વચ્ચે ઘણા દિવસોથી રકઝક થઈ રહી હતી. દરમ્યાન આરોપીઓએ પૂર્વયોજિત રીતે હત્યાનું કાવતરૂ રચ્યુ હતુ. મુખ્ય આરોપી ફારૂક મૌલાના સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હત્યામાં ઉપયોગ થયેલ દેશી કટ્ટો (પિસ્તોલ) ફારૂક મૌલાનાએ ત્રણેક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી હતી.

ફારૂક મૌલાનાના ભાઈએ મૃતકના ભત્રીજા પર હુમલો કર્યો હતો

ગઈકાલે વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં થયેલ સરાજાહેર ફાયરીંગ વિથ મર્ડરની ઘટના બાદ એ જ વિસ્તારમાં એફ એમ ગ્રુપની ઓફિસ પાસેથી જઈ રહેલ મૃતક જાવીદ તાજવાણીના ભત્રીજા ઇંદ્રિશ તાજવાણી ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલ ઇંદ્રિશ સારવાર અર્થે હોસ્પીટલમાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી વિગતો જાણી પોલીસે હાથ ધરેલ તપાસમાં ફાયરીંગ કરનાર ફારૂક મૌલાનાના ભાઈ રફીક મૌલાના અને અન્ય શખ્સએ જ તલવાર, કુહાડી વડે ઇંદ્રિશ પર હુમલો કર્યો હોવાનું જણાવાતા  ઇંદ્રિશની ફરીયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી રફીક મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. જયારે બીજા શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક