ગોંડલના ઘુડસિયા ગામે કૌટુંબિક સેઢા પાડોશીઓના આધેડે ત્રાસથી ઝેરી દવા પીધી
ગોંડલ,
તા.22: ગોંડલ તાલુકાના ઘુડસીયા ગામેથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ખેતરના પાડોશીઓ એવા કૌટુંબિક
ભાઈઓના અસહ્ય માનસિક ત્રાસ, ધાક-ધમકીઓ અને હેરાનગતિથી કંટાળીને ખેડૂતે ઝેરી દવા પીને
પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા
પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં એક હૃદયદ્રાવક
વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેમણે પોતાની આપવીતી અને આરોપીઓના નામજોગ ચોંકાવનારા
ખુલાસા કર્યા છે.
ઘુડસીયા
ગામના ખેડૂત મહેન્દ્રભાઈ ભુવાને છેલ્લા ઘણા સમયથી ખેતરના સેઢા પાડોશીઓ જે તેમના કૌટુંબિક
ભાઇઓ થાય છે. તેમનાં દ્વારા સતત હેરાન કરવામાં
આવતા હતા. તા.21ને ગુરુવારે મહેન્દ્રભાઈએ ઝેરી ટિકડા ખાઈ લીધા હતા. આપઘાત કરતા પહેલા
બનાવેલા વીડિયોમાં ‘મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા.’ તેમજ પોતાના પરિવારને
ઉદ્દેશીને ‘મારું બલિદાન એળે ન જવા દેતા.’ તેવા શબ્દો પણ મૃતકે ઉચ્ચાર્યા હતા. આ ઘટનાના
પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. તેમણે મુખ્ય આરોપીઓ તરીકે કાના માધાભાઇ
ભુવા, હરેશ કાનજી ભુવા, બાલા કાના ભુવા, સાગર બાલા ભુવા, એક અન્ય વૃદ્ધ વ્યક્તિનાં
નામ આપ્યા છે. બનાવ અંગે મૃતકનાં ભાઇ લાલજીભાઈ ભુવાએ સુલતાનપુર પોલીસમાં કરેલી ફરિયાદમાં
જણાવ્યુ હતું કે, મહેન્દ્રભાઈની ખેતીની જમીનમાંથી પાણીનો નિકાલો સુરેશભાઈ ભુવા અને
તેના ભાઇ હરેશભાઈની ખેતીની જમીનમાં જતો હોય સુરેશભાઈ તેનાં પિતા સહિતના મહેન્દ્રભાઈને
ધમકીઓ આપતા હતા. જેથી મહેન્દ્રભાઈ ડરી ગયા હતા અને પોતાનાં ખેતરે આવતા પણ ડરતા હતા.
દોઢ
બે મહીના પહેલા આ લોકોએ પાણીનાં નિકાલા પર માટી નાખી બુરી દિધો હતો.આ અંગે મહેન્દ્રભાઈએ
ગોંડલ મામલતદારમાં અરજી પણ કરી હતી. બનાવ અંગે સુલતાનપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં
આવી છે.