• શનિવાર, 23 મે, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતીને આખરી ઓપ

પાકિસ્તાને સમજૂતીની શરતો તૈયાર થઈ ગયાનો કરેલો દાવો

ઈસ્લામાબાદ, તા.22: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર ઈરાનની મુલાકાતે તેવા સમયે આ દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન શનિવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી.

સાઉદી અરેબિયાના સરકાર સમર્થિત મીડિયાનાં અહેવાલોમાં જાણવા મળે છે કે, પાકિસ્તાનની મધ્યસ્થતાથી અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા સંભવિત કરારના અંતિમ ડ્રાફ્ટની જાહેરાત આગામી થોડા કલાકોમાં થવાની શક્યતા છે. રિપોર્ટમાં કરારની કેટલીક મુખ્ય શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ચર્ચામાં કેટલાક સારા સંકેતો મળ્યા છે. જો તેહરાન જળમાર્ગમાં ટોલ સિસ્ટમ લાગુ કરશે તો કોઈ ઉકેલ શક્ય નહીં બને. એક વરિષ્ઠ ઈરાની સૂત્રે જણાવ્યું હતું કે અમેરિકા સાથેના મતભેદોમાં ઘટાડો થયો છે, જોકે યુરેનિયમ સમૃદ્ધિકરણ અને હોર્મુઝ જળમાર્ગ હજુ પણ મુખ્ય વિવાદના મુદ્દા છે. આ યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે અસર પહોંચાડી છે અને ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે મોંઘવારી વધવાની ભીતિ વધુ મજબૂત બની છે.

 

અમેરિકા-ઈરાન કરારની મુખ્ય શરતો શું છે?

જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગ સહિત તમામ મોરચાઓ પર તાત્કાલિક, વ્યાપક અને બિનશરતી યુદ્ધવિરામ

સૈન્ય, નાગરિક અથવા આર્થિક માળખાને નિશાન ન બનાવવાની પરસ્પર પ્રતિબદ્ધતા

સૈન્ય કાર્યવાહીનો અંત અને મીડિયા યુદ્ધ પર રોક

સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતા અને આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવાની પ્રતિબદ્ધતા

અરબ ખાડી, હોર્મુઝ જળમાર્ગ અને ઓમાનની ખાડીમાં નૌવહનની સ્વતંત્રતાની ગેરંટી

કરારના અમલીકરણની દેખરેખ અને વિવાદોના નિરાકરણ માટે સંયુક્ત વ્યવસ્થા

બાકી રહેલા મુદ્દાઓ પર ચર્ચા સાત દિવસની અંદર શરૂ થશે

કરારની શરતો પ્રત્યે ઈરાનની પ્રતિબદ્ધતા બદલ અમેરિકા દ્વારા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવશે

 

ઇ-પેપરના નવા શુલ્ક