જીવાપર ગામે જૂની અદાવતમાં, ગોંડલ ભગવતપરામાં મધરાતે ઘરમાં ઘૂસી, પડધરીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા થતા પોલીસ તંત્ર દોડતું થયું
રાજકોટ,તા.21:રાજકોટ
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ
ગંભીર બનાવો સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. જસદણના જીવાપર
ગામમાં અને ગોંડલના ભગવતપરામાં જૂની અદાવત અને પડધરીમાં સામાન્ય બોલાચાલીમાં ત્રણ આશાસ્પદ
યુવાનોએ જીવ ગુમાવ્યા છે.
ગોંડલમાં
નિદ્રાધીન યુવકને ધોકા પાઈપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો
ગોંડલના
ભગવતપરા વિસ્તારમાં રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે લોહીની નદીઓ વહી હતી. નિલેશભાઈ જેન્તીભાઈ
શેખ જ્યારે પોતાના ઘરે નિદ્રાધીન હતા, ત્યારે વિશાલ બાવળીયા અને તેના સાથીઓએ ઘરમાં
ઘૂસી હુમલો કર્યો હતો.
છરી,
પાઈપ અને ધોકાના આડેધડ ઘા મારીને નિલેશભાઈને લોહીલુહાણ કરી દેવાયા હતા. ગંભીર હાલતમાં
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા નિલેશભાઈએ ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો.
આ ઘટનાની
કરુણતા એ છે કે હુમલાખોર વિશાલે નિલેશભાઈના નાનાભાઈની 13 વર્ષની દીકરી પર પણ હુમલો
કર્યો હતો અને પરિવારના સભ્યો જાગી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. મૃતકના પરિવારે આક્ષેપ
કર્યો છે કે આરોપી વિશાલ અવારનવાર દારૂ પીને વિસ્તારમાં ડખ્ખા કરતો હતો. હાલ પોલીસે
આ બંને બનાવોમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પડધરીમાં
પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનની હત્યા
પડધરીના
ખાખડાબેલા ગામ નજીક બુધવારે રાત્રે વાહન સીઝીંગનો વ્યવસાય કરતા યુવરાજાસિંહ અનિરુદ્ધાસિંહ
જાડેજા (ઉ.વ. 40) નામના યુવાનની છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે.
આરોપીઓએ યુવરાજાસિંહની હેરિયર કાર રોકી રસ્તામાં જ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસને લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પડધરી પોલીસ અને એલસીબીની ટીમોએ તાત્કાલિક
તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની
પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ વર્ષ 2024માં નોંધાયેલી દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ
હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવરાજાસિંહે મહેન્દ્રાસિંહ અને યશપાલાસિંહ વિરુદ્ધ પોલીસ
ફરિયાદ કરી હતી, જે બાબતે આરોપીઓ સતત સમાધાન માટે દબાણ કરી રહ્યા હતા. યુવરાજાસિંહે
સમાધાન કરવાની ના પાડતા, તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ આ હિંસક કૃત્ય આચરી યુવાનને
મોતને ઘાટ ઉતાર્યો હતો.
હત્યાના
આ બનાવ બાદ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને આરોપી યશપાલાસિંહને સકંજામાં લીધો છે
અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપી મહેન્દ્રાસિંહને ઝડપી પાડવા
માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના વાહન સીઝીંગના વ્યવસાય અને જૂની અદાવતને
ધ્યાને રાખી પોલીસ અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે.
જસદણમાં
પૂર્વ આયોજિત કાવતરું ઘડી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જસદણના
જીવાપર ગામે 35 વર્ષીય અરાવિંદભાઈ લાખાભાઈ રાઠોડની નિર્મમ હત્યા કરવામાં આવી છે. અરાવિંદભાઈ
સાંજના સમયે પોતાના નવા ઘરેથી જૂના ઘરે ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે ગામના ચોરા પાસે
પૂર્વ આયોજિત કાવતરું ઘડીને બેઠેલા હરેશ લીંબાભાઈ કોળીએ તેમને અટકાવ્યા હતા. હરેશે
ધોકા અને ધારદાર હથિયાર વડે અરાવિંદભાઈ પર હિંસક હુમલો કરતા તેમને માથાના ભાગે ગંભીર
ઈજાઓ પહોંચી હતી, જેના કારણે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
અરાવિંદભાઈ ખેતી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પાંચ ભાઈ-બહેનોમાં
બીજા નંબરના અરાવિંદભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે, જેમણે પિતાની છત્રછાયા
ગુમાવી છે. આરોપી હરેશ સાથે તેમને એક વર્ષ પહેલા અને ત્યાર બાદ ચાર મહિના અગાઉ પણ બોલાચાલી
થઈ હતી, જે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને હરેશે આ ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરી નાખી
હતી.