• શનિવાર, 23 મે, 2026

વિશ્વનાં સર્વોચ્ચ શિખરે ટ્રાફિકજામ!

એક દિવસમાં 275 પર્વતારોહકોએ સર કર્યો એવરેસ્ટ

નવી દિલ્હી, તા. 22 : દુનિયાના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ ઉપર હવે એવી સ્થિતિ બની છે કે જાણે કોઈ મોટો તહેવાર ચાલી રહ્યો હોય. નેપાળ તરફથી માત્ર એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં પર્વતારોહકોએ એવરેસ્ટ સર કર્યો છે. બરફ, તોફાન, ઓક્સિજનની કમી સહિતના ખતરનાક પડકારો છતા પણ 275 લોકો દુનિયાની છત સુધી પહોંચી ગયા હતા. જો કે રેકોર્ડ સાથે ચિંતા વધી છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે એવરેસ્ટ ઉપર એટલી ભીડ વધી રહી છે કે ટ્રાફિક જામની સ્થિતિ બની શકે છે. તેવામાં ખરાબ મોસમ જોખમી બની શકે છે.

અીધકારીઓ અનુસાર નેપાળ તરફથી એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઉપલબ્ધિ મેળવી હતી. અનુમાન અનુસાર બુધવારે અનુમાને 275 લોકો એવરેસ્ટ સુધી પહોંચ્યા હતા. એવરેસ્ટ ઉપર નેપાળના દક્ષિણ તરફ અથવા તો ચીનના તિબેટ ક્ષેત્રમાંથી પર્વતારોહણ કરી શકાય છે. જો કે ચાલુ વર્ષે ચીને પોતાના તરફનો રસ્તો બંધ રાખ્યો છે.

નેપાળના પર્યટન વિભાગે કહ્યું હતું કે બુધવારે 275 લોકોએ 29032 ફૂટની ઉંચાઈ સુધીનું શિખર સર કર્યું હતું. જો કે પર્વતારોહકોની સંખ્યા અંગે પુષ્ટિ બાદમાં કરવામાં આવશે. આ માટે પર્વતારોહકોની તસવીર અને અભિયાન કંપની તેમજ ગાઈડના નિવેદનની તપાસ કરવામાં આવે છે. આ અગાઉ 2023મા ચીન અને નેપાળ બન્નેના રસ્તે એક જ દિવસમાં મોટી સંખ્યામાં પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચ્યા હતા. જો કે તેની સંખ્યા અધિકારીઓ દ્વારા બતાવવામાં આવી નહોતી.

ઇ-પેપરના નવા શુલ્ક