અમરેલી, તા.21 : સાવરકુંડલામાં પૈસાની લેતીદેતીના સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા રાજુલાના બાબરીયાધાર ગામના હર્ષદ પરમાર નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હર્ષદ પોતાની રિસામણે બેઠેલી પત્નીને તેડવા સાવરકુંડલા આવ્યો હતો, જ્યાં તેના ફઈના દીકરા જગદીશ પરમાર સાથે પૈસા મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી હર્ષદ પર લોખંડના પાઈપ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ગંભીર
રીતે ઘવાયેલા હર્ષદને સારવાર માટે તાત્કાલિક અમરેલી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં
આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હત્યાના આ બનાવથી બાબરિયાધાર
અને સાવરકુંડલા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
છે અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની
ગંભીરતાને જોઈ સાવરકુંડલા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી જગદીશ પરમારની
ધરપકડ કરી લીધી છે. આ હુમલામાં સામેલ અન્ય ત્રણ આરોપી, જેમાં દયાબેન પરમારનો પણ સમાવેશ
થાય છે, તેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હાલ આરોપીઓની સઘન પૂછપરછ
કરી રહી છે જેથી આ હત્યા પાછળનાં અન્ય કારણો સ્પષ્ટ થઈ શકે.